(એજન્સી) મુંબઇ, તા.૧૨
એનડીએ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડવા અંગે સહમતિ બાદ શિવસેનાએ મંગળવારે ભાજપને સલાહ આપતા જણાવ્યું કે, ભાજપે ૨૦૧૪માં લોકોને આપેલા વચનોનો મામલે સવાલોનો સામનો કરવા તૈયારી રાખવી પડશે. ખાસ કરીને કાશ્મીરમાં શાંતિ અને અયોધ્યા મંદિર મામલે સવાલોનો સામનો ભાજપને કરવો પડી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો ઉલ્લેખ કરીને શિવસેનાએ જણાવ્યું હતું કે, હવે ૨૩મી મેએ પ્રજાની ‘મન કી બાત’ બહાર આવશે. ૧૧ એપ્રિલથી ૧૯ મે વચ્ચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાનારી છે.
શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં વધુમાં જણાવ્યું કે, ‘ઈતિહાસ સાક્ષી છે કે લોકોને વધુ લાંબો સમય સુધી મૂરખ બનાવી શકાતા નથી. દરેકને પ્રશ્ન થાય છે, જેનો જવાબ મતપેટીમાં આપવામાં આવે છે.’
ભાજપે ૨૦૧૪માં જંગી બહુમતિથી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો અને કાશ્મીરમાં શાંતિ તેમજ રામ મંદિર નિર્માણનું વચન આપ્યું હતું પરંતુ કમનસીબે બંને મુદ્દા ૨૦૧૯માં વણઉકલ્યા રહ્યા છે. માટે જ જ્યારે પ્રજા પ્રશ્નો પૂછશે ત્યારે તેનો જવાબ જરૂર આપવો પડશે તેમ શિવસેનાએ સામનામાં જણાવ્યું હતું.
આ ઉપરાંત ઈવીએમ મશીનના ઉપયોગ અંગે પણ શંકા-કુશંકાઓ રહેલી છે ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ ઈવીએમથી ચૂંટણી લડવાનું બંધ કરી દીધું છે તો ભારતમાં તેના પર મદાર શા માટે રાખવામાં આવે છે તેવો પ્રશ્ન શિવસેનાએ કર્યો હતો.
૨૦૧૪માં આપેલા વચનોના જવાબની તૈયારી રાખો : શિવસેનાની ભાજપને સલાહ

Recent Comments