(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
મહારાષ્ટ્રના રાજકારણમાં નવું ફૂલ ખીલવા લાગ્યું છે અને તેની સુગંધ પણ આવવા લાગી છે. મુંબઈમાં ગુરૂવારે આજતકના કાર્યક્રમ મુંબઈ મંથનમાં બીજેપીની સ્વભાવિક સહયોગી પાર્ટી માનવામાં આવતી શિવસેનાના નેતા સંજય રાઉત અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (મનસે) મોકળામને સ્પષ્ટતા કરી છે. રાઉતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વની ખૂબ જ પ્રશંસા કરી છે, તો રાજ ઠાકરેએ કહ્યું કે, રાહુલ ગાંધીને પપ્પુ કહેનારા લોકોથી તેમને ડર લાગવવા લાગ્યો છે.
મુંબઈ મંથનના બીજેપી વિરૂદ્ધ શિવસેના સેશનમાં રાઉતે કહ્યું કે, ગુજરાતમાં રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટા પ્રમાણમાં ટોળાઓ ઊમટી રહ્યા છે. જનતા કોઈને પણ પપ્પુ બનાવી શકે છે, રાહુલ ગાંધી હવે પપ્પુ નથી. રાહુલ ગાંધી શું બોલે છે, શું કરે છે, કોને મળે છે. તેમાં આ દેશની જનતા રસ લેવા લાગી છે. તેનો અર્થ છે કે, રાહુલ ગાંધી પણ આ દેશનું નેતૃત્વ કરી શકે છે. રાઉતની સાથે જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ પણ રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું કે જે વ્યક્તિને બીજેપી પપ્પુ-પપ્પુ કહેતી રહી, આજે તે ગુજરાતમાં ઝપ્પુ બની ગયા છે. તેમની રેલીમાં જેટલા લોકો આવી રહ્યા છે, તેનાથી ડરીને વડાપ્રધાન આઠ-આઠ, નવ-નવ વખત ગુજરાત જઈ રહ્યા છે.
ઠાકરેએ કહ્યું કે, તમે આટલા વર્ષો સુધી રાહુલ ગાંધીને અપમાનિત કરતાં રહ્યા અને હવે તે જ વ્યક્તિ ગુજરાતમાં જઈ રહી છે, તો તમને ડર કેમ લાગી રહ્યો છે. તે જ વ્યક્તિની પાછળ હજારો-લાખો લોકો ઊભા થઈ રહ્યા છે, તો તમને ડર કેમ લાગી રહ્યો છે. બીજેપીના આટલા મુખ્યમંત્રીઓ કેમ જઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં આવું પહેલીવાર બન્યું કે, જ્યારે એક જાહેર મંચ પરથી શિવસેના અને રાજ ઠાકરેએ કોંગ્રેસ ઉપાધ્યક્ષની દિલ ખોલીને પ્રશંસા કરી છે. મહારાષ્ટ્રમાં બીજેપીની સાથે શિવસેનાના સંબંધોને જોતા સંજય રાઉતનું નિવેદન રાજ્યના રાજકારણમાં કાર્પેટની નીચે થનારી હિલચાલની નિશાની છે. એ વાત ધ્યાન રાખવાની છે અને એવા ઘણા બધા સમાચાર પણ આવ્યા છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી વિપક્ષી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની (એનસીપી) સાથે પોતાની નજદીકી વધારી રહી છે. મુંબઈ મંથનમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપી પ્રમુખ શરદ પવારની પ્રશંસા કરી અને કહ્યું કે, પવાર ક્યારેય વિકાસની વિરૂદ્ધમાં નથી રહ્યા. સ્પષ્ટ છે કે, ફડણવીસના નિશાન પર શિવસેના અને ઉદ્ધવ ઠાકરે હતા.