(એજન્સી) મુંબઈ,તા.૨૧
મહારાષ્ટ્રમાં ત્રિપક્ષિય ગઠબંધન ધરાવતી નવી સરકારની રચનાનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. શુક્રવારે મુંબઈમાં તેની જાહેરાત થવાની સંભાવના છે. પહેલીવાર કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે કે રાજ્યને ટૂંક સમયમાં કાયમી સરકાર આપવામાં આવશે. કોંગ્રેસ વતી, પૃથ્વીરાજ ચૌહાણે અને એનસીપી વતી પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે બુધવારે જ શરદ પવાર અને અહેમદ પટેલની હાજરીમાં દિલ્હીમાં કોંગ્રેસના બંને નેતાઓની બેઠક ચાલી રહી હોવાનું નિવેદન આપ્યું હતું.
દરમ્યાનમાં, એનસીપી-કોંગ્રેસની બેઠક બાદ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે બપોર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, બંને પક્ષોએ તમામ મુદ્દાઓ પર ચર્ચા પૂર્ણ કરી છે. અમારી પાસે તમામ મુદ્દાઓ પર સમજૂતી છે. શુક્રવારે અમે મુંબઈમાં અમારા અન્ય નાના સહયોગી પક્ષો સાથે બેઠક યોજીશું. અને ત્યારબાદ શિવસેના સાથે ચર્ચા થશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સૂત્રોએ પણ અહેવાલ આપ્યો છે કે ૫૦-૫૦ ફોર્મ્યુલા પ્રમાણે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને એનસીપીને તે પછાના અઢી વર્ષ માટે સીએમપદ મળશે. કોંગ્રેસ અને એનસીપીને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર થઇ શકે. અથવા કોંગ્રેસને સંપૂર્ણ પાંચ વર્ષ માટે નાયબ મુખ્યમંત્રી પદ આપી શકાય છે. વિધાનસભાના અધ્યક્ષનું પદ શિવસેના પોતાની પાસે રાખી શકે. દરમ્યાન, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસના બંને નેતાઓ સરકાર રચવા સંમત થયા છે અને ૫-૭ દિવસમાં સ્થિર સરકાર મળશે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હોવાથી હવે દરેકની નજર રાજભવન તરફ રહેશે, ત્યાંથી આ સૂચિત સંયુક્ત સરકાર માટે કેવું સમર્થન આપે છે?તેના પર પણ સૌની નજર રહેલી છે. દરમ્યાનમાં, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ૫ દિવસનો સામાન લઈને મુંબઇ આવવાનો આદેશ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરે શુક્રવારે તેમના પક્ષના ધારાસભ્યોની બેઠક યોજવાના છે. તેમણે તમામ ધારાસભ્યોને તેમના આધારકાર્ડ અને ઓળખ કાર્ડ સાથે મુંબઇ આવવાનું કહ્યું છે. શિવસેનાના નિર્દેશન પછી સરકારની રચના માટે કામગીરી હાથ ધરાય તેમ છે. સૂત્રોએ કહ્યું કે આવી રાજકિય પરિસ્થિતિમાં રાજ્યપાલ હવે ફક્ત પક્ષના પત્રોના આધારે બહુમતી સાબિત કરવા આમંત્રણ આપતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવે દરેક પાર્ટીએ તેમના ધારાસભ્યોની યાદી તેમના ઓળખકાર્ડ, આધારકાર્ડ અને સહી સાથે રજૂ કરવાની રહેશે. તેથી શિવસેનાએ તેમના ધારાસભ્યોને ઓળખના જરૂરી પુરાવા સાથે બેઠકમાં બોલાવ્યા છે.
બીજી તરફ શિવસેનાએ સામનાના માધ્યમથી કહ્યું કે રાજ્યમાં કોઈપણ ક્ષણે સરકાર, કોંગ્રેસ-એનસીપીની સંગાથે શિવસેના સ્થિર અને મજબૂત સરકાર આપશે. છેલ્લા ૨૧ દિવસથી મહારાષ્ટ્રની અસ્થિરતા ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. રાજ્યમાં કોઈપણ ક્ષણે સરકારની રચના થઈ શકે છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષોને સાથે મળીને એક સ્થિર અને મજબૂત સરકાર આપશે, કોંગ્રેસ એનસીપી નેતાઓએ દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને સમાપ્ત કરવા માટે બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી. ચર્ચા અત્યંત સકારાત્મક હતી. આ ચર્ચા અંતિમ તબક્કામાં હોવાથી, વહેલી તકે મહારાષ્ટ્રમાં સ્થિર અને લોક કલ્યાણકારી સરકારની રચના કરવામાં આવશે. જ્યારે એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાદવાના કારણે રાજ્યમાં વહીવટ સ્થગિત થઇ ગયો છે, તેથી રાજ્યમાં નવી સરકાર આવવી જોઈએ, આ દરેકની ઈચ્છા છે. આપણી સકારાત્મક ચર્ચા ચાલુ જ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષો ભેગા થઈને રાજ્યમાં સ્થિર સરકાર આપશે.