(એજન્સી)નવીદિલ્હી,તા. ૧૪
મહારાષ્ટ્રમાં ભાજપે હવે શિવસેનાને પોતાનો પરચો દેખાડવાનું શરૂ કર્યું છે. ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, શિવસેના સાથેવાત કરવા માટે હવે કેન્દ્રીય સ્તરના કોઇપણ નેતા મુંબઇ જશે નહીં. આગામી ચૂંટણીમાં ગઠબંધન માટે જે વાતો છે તે સ્થાનિક નેતા એટલે કે, રાજ્યના અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને મુખ્યમંત્રી ફડનવીસ જ કરશે. શિવસેના ભાજપ સાથે સત્તામાં હોવા છતાં સતત પીએમ મોદી અને કેન્દ્ર સરકારને નિશાને લે છે. હવે આ બાબત ભાજપને ખૂચી રહી છે. પાછલા ઘણા દિવસોથી બંને પાર્ટીઓ વચ્ચે સામ-સામે નિવેદનબાજી નથી થઇ પરંતુ પડદા પાછળ ગઠબંધનની રાજનીતિ થઇ રહી છે. તેમ છતાં શિવસેના દ્વારા ભાજપને પરેશાન કરવાનો ક્રમ રોકાયો નથી. શિવસેના સતત પોતાના મુખપત્ર સામનામાં પીએમ મોદી, સીએમ ફડનવીસ, યુપીના મુખ્યમંત્રી યોગી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહી છે. જેનાથી ભાજપના એકમોમાં ભારે નારાજગી છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના-ભાજપ ૧૯૯૫માં પહેલીવાર હિંદુત્વના મુદ્દે એકસાથે આવ્યા અને સત્તા સુધી પહોંચ્યા હતા. તે વખતે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેની જોડીએ શિવસેના સાથે મળીને ભાજપને સત્તા સુધી પહોંચાડી હતી. તે સમયે ભાજપના નેતાઓ માતોશ્રી જઇને શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરેને મળતા હતા અને બાદમાં ગઠબંધનની જાહેરાત થતી હતી. પાછલા વર્ષ સુધી આ જ થતું આવતું હતું. પરંતુ જ્યારથી શિવસેના ગત ચૂંટણી ભાજપથી અલગ થઇને લડી છે ત્યારથી પાર્ટીમાં અસ્વસ્થતા છે. ઉદ્ધવ ઠાકરે પોતાને સાબિત કરવા માટે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે રામ મંદિર મુદ્દે ભાજપને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. તેઓ દિવસે-દિવસે ભાજપ વિરૂદ્ધ નિવેદનો આપે છે જેથી ભાજપના નેતાઓ નારાજ છે. શિવસેના સત્તામાં હોવા છતાં પણ વિપક્ષો દ્વારા કરાતા આંદોલનોના મંચ પર જાય છે જે વાતથી ભાજપી નેતાઓ નારાજ છે. તેથી ભાજપના કોઇ મોટા નેતાઓ હવે માતોશ્રી જવા માટે તૈયાર નથી.
હવે શિવસેના સાથે સીધી ટક્કર, ભાજપનો કોઇ નેતા માતોશ્રી નહીં જાય !!!

Recent Comments