(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાના બીજા દિવસે ભાજપથી નારાજ ચાલી રહેલી શિવસેનાએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે જ્યારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજના આધારે સમીક્ષા કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દરરોજ એક લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભગવા પાર્ટીએ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ટિપ્પણી સામે પણ પ્રહાર કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ડો.આંબેડકરની સેવામાં રાજ્યને ગીરવે મુકવા માગે છે.
શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇંધણોના ભાવોમાં ઘટાડો કરવાનો નિર્ણય ઘણો મોડો આવ્યો છે. ભૂતકાળમાં ઇંધણોની કિંમતોને દરરોજના આધારે સમીક્ષા કરવાના નિર્ણય બાદ દેશની તિજોરીઓમાં પ્રતિદિન એક લાખ કરોડ રૂપિયા જમા થયા છે. તેમાં જણાવ્યું કે કેન્દ્ર દ્વારા છત્રપતિ શિવાજી અને બીઆર આંબેડકરની પ્રતિમા બનાવવા માટે ૫૦૦૦થી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેથી મુખ્યમંત્રી રાજ્યને ગીરવે નહીં મૂકી શકે. આજે જો બાબાસાહેબ જીવિત હોત તો રાજ્યને ગીરવે મૂકવાની વાત કરનારા સત્તામાં રહેલાઓ સામે લાઠી ઉપાડી હોત. એટલે સુધી કે તેઓએ એટલું તો સ્વીકાર્યું જ હોત કે રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે અને ગીરવે લેવાયેલા નાણાંથી તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે.