(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું કે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને તેમણે વાકેફ કર્યા છે પરંતુ શિવસેના સાથે રાજ્યમાં કોઇ સંભવિત ગઠબંધન કરવા અંગે કોઇ ચર્ચા થઇ નથી. એનસીપીના પ્રમુખે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનિયા ગાંધી સાથે તેમના ૧૦ જનપથ નિવાસસ્થાને મુલાકાત કરી હતી. શરદ પવારના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવા અંગેનું રહસ્ય વધુ ઘેરૂં બની ગયું છે. સોનિયા ગાંધી સાથેની તેમની બેઠક બાદ શરદ પવારે પત્રકારોને જણાવ્યું કે અમે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. આ બાબતે તેમણે કોંગ્રેસ પ્રમુખને માહિતી આપી છે. સોનિયા ગાંધી સાથેની બેઠક દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીના ખાસ નેતાઓની એક બેઠક યોજાશે અને તેઓ વિસ્તૃત ચર્ચા કરીને અમને માહિતી આપશે.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવાના વિચારનો સોનિયા ગાંધીએ વિરોધ કર્યો કે કેમ ? એવું પૂછવામાં આવતા શરદ પવારે જણાવ્યું કે અમારી બેઠકમાં સરકારની રચના કરવા અંગે કોઇ ચર્ચા થઇ નથી. આ બેઠકમાં માત્ર કોંગ્રેસ અને એનસીપી વિશે ચર્ચા થઇ છે. મંત્રણાઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા શરદ પવારે ગયા સપ્તાહે એવું સૂચવ્યું હતું કે રાજ્યમાં ટૂંંક સમયમાં ગઠબંધન સરકારની રચના થશે. પવારે પત્રકારોને એવું પણ કહ્યું કે અમે શિવસેના વિશે કોઇ વાત કે ચર્ચા કરી નથી. વધુ કેટલીક બાબતો અમારે ઉકેલવાની છે અને અમને સમર્થન આપી રહેલા બધા પક્ષો સાથે અમે મંત્રણા કરીશું અને તેમને પણ વિશ્વાસમાં લઇશું.