મુંબઈ,તા.૧૧
શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે મોદીની આલોચના કરતી વખતે દાખવેલ સૌજન્યતા બદલ પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે પોતાના સંબોધનોમાં એમણે મોદીની ટીકાઓ કરી હતી પણ પોતાની ભાષા ઉપર નિયંત્રણ રાખી વડાપ્રધાનનું સન્માન જાળવ્યું હતું. રાહુલ ભાજપ માટે ર૦૧૯માં પડકાર બની શકે છે.
ભાજપાએ રાહુલની પોતે વડાપ્રધાન થવાની ઈચ્છાનો સ્વાગત કરવો જોઈએ અને ખેલદીલીથી એ પડકાર સ્વીકારવો જોઈએ. રાહુલની ઈચ્છા બદલ એની મજાક બનાવવી એ લોકશાહી વિરૂધ્ધ છે.
મોદીએ રાહુલની ટિપ્પણી સામે આશ્ચાર્ય વ્યકત કરતા કહ્યું કે શું દેશ એક અપરિપકવ નેતાને પોતાનો વડાપ્રધાન ચૂંટશે. મોદીની ટિપ્પણી સામે જવાબ આપતા સેનાએ કહ્યું કે તો લોકો નિર્ણય કરશે કે રાહુલ જીતશે કે હારશે. સેનાએ પોતાના અખબાર સામનામાં રાહુલની પ્રશંસા કરતા કહ્યું કે રાહુલ ર૦૧૪ જેવો રાહુલ નથી. આલોચનાઓ સાંભળી સાંભળીને એ મજબૂત થયો છે. એ ર૦૧૯માં ભાજપ માટે પડકાર બની શકે છે. જેનો પુરાવો એમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આપ્યો હતો. સેનાએ કહ્યું કે મોદી રાહુલ અને ગાંધી પરિવારની આલોચના કરતી વખતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. પણ રાહુલ નથી ડરતો રાહુલના વિરોધીઓએ પણ આ વાત સાથે સંમત થવું જોઈએ.
ભાજપ પૂછી રહી છે કે અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ હોવા છતાં રાહુલ કઈ રીતે પોતે વડાપ્રધાનનો દાવેદાર ગણે છે એનો જવાબ આપતા સેનાએ કહ્યું કે આ પ્રશ્નનો જવાબ ભાજપને અડવાણી અને મુરલી મનોહર જોશી સારી રીતે આપી શકશે કે વરિષ્ઠ નેતાઓ હાજર હોવા છતાં મોદી અને શાહ કઈ રીતે ઉચ્ચા હોદ્દાઓ ઉપર બેસી ગયા છે.