દેવબંદ, તા. ૧૫
સાતમી ડિસેમ્બરનો દિવસ દારૂલ ઉલૂમ દેવબંદ માટે ખાસ હતો. આ દિવસે પહેલીવાર ઇરાનથી એક ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ અહીં પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું દારૂલ ઉલૂમ દેવબંદે જોરદાર સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળ સાથે અહીંના મૌલાના અબ્દુલ ખાલિક સંભલી અને મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીએ લાંબી વાતચીત કરી હતી. અબ્દુલ ખાલિક સંભલીએ કહ્યું કે, ઇરાનના વિદ્વાન તથા ખતીબ સૈયદ મેહદીઅલી ઝૈદી મૂસવીએ દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચીને જવાબદારો તથા વિદ્વાનો અને શિક્ષકો સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, મહેમાનો એવું ઇચ્છે છે કે, ઇરાન અને દારૂલ ઉલૂમ દેવબંદનો એક અવાજ હોય. તેમણે દેવબંદ દારૂલ ઉલૂમની પ્રશંસા કરતા એમ પણ કહ્યું કે, ઇરાનના વિદ્યાર્થીઓએ દારૂલ ઉલૂમ આવીને રિસર્ચ કરવું જોઇએ કેમ કે અહીં દીની તાલીમનો દરિયો છે. તેઓએ કહ્યું કે, દારૂલ ઉલૂમના શિક્ષકોએ ઇરાન આવીને ભણાવવું જોઇએ.
સંભલીએ કહ્યું કે, ઇરાનના પ્રતિનિધિમંડળે અમને એ વાતની પણ જાણકારી આપી કે, તેમના નેતૃત્વમાં કામ કરનારા ઇરાન હજ અનુસંધાન કેન્દ્ર ૧૨૦૦થી વધુ શિર્ષકોમાં ઇસ્લામિક પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યું છે. અમારી ઇચ્છા છે કે, દારૂલ ઉલૂમ અને ઇરાનના વૈજ્ઞાનિક સંસ્થાન એક બીજા સાથે જાણકારીની આપ લે કરે. પ્રતિનિધિમંડળે આ વાતે પણ ભાર મૂક્યો કે, હવે શિયા અને સુન્નીઓએ મતભેદ સમાપ્ત કરીને નજીક આવવાની જરૂર છે. બેઠકમાં બંને પક્ષોએ શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે સંબંધો સુધારવા પર ભાર મુક્યો હતો. આ દરમિયાન મુઝફ્ફરનગરના જામિયા ઇસ્લામિયા મદ્રેસાના મૌલાના અરશદ કાસમીએ શાનદાર પગલું ગણાવતા કહ્યું કે, શિયા અને સુન્ની સમુદાયે નજીક આવીને અંદરના મતભેદોને ભુલાવી દેવા જોઇએ.
એડવોકેટ મોહંમદ ઉમર અનુસાર શિયા-સુન્ની સમુદાયોને એક કરવા દારૂલ ઉલૂમ આવવાની શિયા ઉલેમાઓનો પ્રયાસ ઘણો સારો છે. હવે આજ રીતની પહેલા દારૂલ ઉલૂમે પણ કરવી જોઇએ. તેમણે ઇરાનના દળનું નિમંત્રણ કબૂલીને ઇરાન જવું જોઇએ. બીજી તરફ શિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઝોનલ ઇન્ચાર્જ મૌલાના ફઝીહ હૈદરે કહ્યું છે કે, મુસ્લિમોનું વહાણ અધવચ્ચે છે અને અમારો પ્રયાસ તેને તેની મંજિલ પર પહોંચાડવાનો છે. પછી આંતરિક મુદ્દાઓ પર બાદમાં વાત કરી લઇશું. અત્યારે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો સમય છે. તેમણે કહ્યું કે, શિયા-સુન્ની પ્રેમ પર હઝરત સિસ્તાની સાહેબનું નિવેદન મહત્વપૂર્ણ છે, તેમણે કહ્યંુ કે, સુન્ની ફક્ત અમારા ભાઇ જ નહીં પરંતુ અમારો અમારો આત્મા અને જીવ છે. તેમણએ કહ્યંુ કે, ટૂંક સમયમાં જ દારૂલ ઉલૂમમાંથી પણ કેટલાક લોકો ઇરાન જશે.