કરાંચી,તા.૧૪
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગુરૂવારે ક્રિકેટમાં પરત ફરવાની જાહેરાત કરી છે. તે ઈન્ટરનેશનલ મેચ નહીં રમે પરંતુ લીગ મેચમાં હાજર રહેશે. તેઓએ ટિ્‌વટર પર જાણકારી આપી કે મેદાનમાં ૧૪ ફેબ્રુઆરીએ પરત ફરશે. અખ્તરે કહ્યું કે તે લીગ ક્રિકેટ રમીને આજના બાળકોને બતાવશે કે બોલની સ્પીડ શું હોય છે.
શોએબે કહ્યું, આજનાં બાળકો સમજી રહ્યા છે કે તેઓ ઘણું બધુ જાણે છે અને તેઓ મારી સ્પીડને પણ પડકાર આપી શકે છે. જેથી બાળકો, હું પાછો આવી રહ્યો છું. હું પણ લીગ ક્રિકેટ રમીશ અને જણાવીશ કે ઝડપ શું હોય છે. શોએબે લખ્યુ, નમસ્તે ૧૪ ફેબ્રુઆરીની તારીખ છે. મિત્રો તમારા કેલેન્ડરમાં નિશાન બનાવી લો, હું પણ આવી રહ્યો છું આ વખતે લીગ રમવા માટે, છેલ્લે આ બાળકોને પણ ખબર પડવી જોઈએ કે સ્પીડ શું હોય છે.
૪૩ વર્ષનાં શોએબે વર્લ્ડ કપ ૨૦૧૧ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. ત્યારબાદ કોમેન્ટ્રી અને નિષ્ણાત તરીકે ક્રિકેટ સાથે જોડાયો છે.