લંડન, તા.૧
વર્લ્ડકપ ર૦૧૯માં ભારતીય ટીમ પોતાની સાતમી મેચમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ. આ જીત સાથે ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં પહોંચવાની આશા વધી ગઈ છે જ્યારે ભારતની આ હારથી અનેક ટીમોના સેમિફાઈનલમાં પહોંચવાના સમીકરણો બગડી ગયા છે. જો ભારત આ મેચ જીતી ગયું હોત તો પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા વધી જાત અને એટલા માટે પાકિસ્તાની પ્રશંસકોએ મેચ પહેલાં ભારતીય ટીમનું સમર્થન કર્યું હતું. મેચ બાદ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું કે ભાગલા બાદ આ પ્રથમ પ્રસંગ હતો. જ્યારે પાકિસ્તાને ભારતનું સમર્થન કર્યું. તેણે કહ્યું કે ભારત પાસે પાંચ વિકેટ હતી એટલા માટે મેં વિચાર્યું કે તેઓ ચાન્સ લેશે. મને લાગે છે કે ભારતે ઘણી ધીમી બેટીંગ કરી. આમ પણ એક પાકિસ્તાની તરીકે અમારી ઈચ્છા હતી કે ભારત જીતે અને અમે ભાગલા બાદ પહેલીવાર ભારતનું સમર્થન કરી રહ્યા હતા. શોએબે એમ પણ કહ્યું કે ભારતનો મધ્યમ ક્રમ ટીમ માટે ચિંતાનો વિષય છે. ભારતે હવે પોતાના મધ્યમ ક્રમ વિશે વિચારવું પડશે કારણ કે વારંવાર તેની આ નબળાઈ જાહેર થઈ રહી છે. ભારત આવતીકાલે બાંગ્લાદેશ સામે ટકરાશે.