નવી દિલ્હી,તા.૨૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં વિરાટ કોહલીનો જે વ્યવહાર હતો તેને લઇને ચારેકોર ચર્ચા થઇ રહી છે. કેટલાંક દિગ્ગજ ક્રિકેટર્સે કોહલીના આ આક્રામક વલણની નિંદા કરી છે તો કેટલાંક કોહલીના સમર્થનમાં આવ્યાં છે. આ ચર્ચામાં હવે વધુ એક નામ જોડાયુ છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીના આક્રામક વલણનો બચાવ કર્યો છે.
શોએબે ટિ્‌વટ કર્યુ કે, ક્રિકેટમાં વર્તમાન સમયમાં વિરાટ કોહલી બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ છે. આક્રમકતા આ સમયે પ્રતિસ્પર્ધી ક્રિકેટનો ખાસ હિસ્સો છે. જ્યાં સુધી તે મર્યાદામાં છે. તેને લઇને કોઇને વાંધો ન હોવો જોઇએ. તેના આ વ્યવહારને વધુ મહત્વ ન આપવું જોઇએ.
શોએબ અખ્તર પહેલાં એલન બોર્ડર, ડેરેન લીમન, ઝહીર ખાન જેવા દિગ્ગજ ક્રિકેટર પણ વિરાટનો પક્ષ લઇ ચુક્યા છે. તેવામાં મિશેલ જૉનસને વિરાટના વ્હવહારને અપમાનજનક અને મુર્ખતાપૂર્ણ ગણાવ્યો હતો. અખ્તરની આ કમેન્ટ પર ભારત અને પાકિસ્તાનના ફેન્સ વચ્ચે જાણે કે શાબ્દિક જંગ છેડાઇ ચુકી છે.