ઉના,તા.૧
ઉના તાલુકાના કાજરડી ગામના માછીમારનુ અઢી માસ પહેલા પાક. ખાતે આવેલ કરાંચીની લાડી જેલમાં પેટમાં દુખાવો થવાના કારણે મોત નિપજ્યું હતું. આ અંગે અખબારોમાં એહવાલો પ્રસિધ્ધ થતા ફિસરીઝ વિભાગનું તંત્ર દોડતું થયેલ અને મૃતક પરિવારે માછીમારનો મૃતદેહ વહેલી તકે આપવા માંગણી કરેલ હતી. આખરે અઢી માસ બાદ કાજરડી ગામના માછીમાર નાનુભાઇ કાનાભાઇ સોલંકી ઉ.વ.૪૭નો મૃતદેહ પાકિસ્તાન ખાતેથી મુંબઇ આવેલ અને ત્યાંથી વેરાવળ ફિશરીઝ અધિકારી વિમલભાઇ પંડ્યાએ સંભાળી એમ્બ્યુલન્સ મારફતે માછીમારના માદરે વતન કાજરડી ગામે લાવતા ત્યા મોટી સંખ્યામાં સમાજના લોકો અને ગામના સરપંચ નાનુભાઇ ચારણીયા, ભાજપ અગ્રણી રામભાઇ વાઢેર, સામતભાઇ ચારણીયા, કમલેશભાઇ સોલંકી, વિજયભાઇ બાંભણીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી મૃતક પરીવારને આશ્વાશન આપી શોક વ્યક્ત કરેલ હતો.
માછીમારનો મૃતદેહ માદરે વતન આવતા નાનુભાઇ કાનાભાઇ સોલંકીના ત્રણ પુત્ર-પત્રી અને તેમના પત્નીની આંખોમાંથી ચોધાર અશ્રુંધારા વહેતા હાજર તમામ લોકો શોકમાં ગરક બન્યા હતા. માછીમાર પરીવારે પાક. જેલમાં રહેલા અન્ય કાજરડી અને આજુબાજુના ગામોના પાક. જેલમાં રહેલા ખલાસીઓ વહેલી તકે છોડાવવા પણ માંગણી કરી હતી.