(એજન્સી) શ્રીનગર, તા.૩
જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને કુલગામમાં આતંકવાદીઓ સાથે સેનાની અથડામણો થઇ હતી જેમાં શોપિયાંમાં એક મેજર અને જવાન શહીદ થયા હતા જ્યારે કુલગામમાં સેના દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં બે આતંકવાદી ઠાર કરાયા હતા. શોપિયાંના ઝાઇપોરા વિસ્તારમાં ગુપ્તચર માહિતી મળ્યા બાદ સેનાએ મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ઘવાયેલા જવાનોને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં મેજર અને એક જવાન શહીદ થયા હતા. બીજી તરફ કુલગામમાં પણ આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણો થઇ હતી જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં વહેલી સવારે થયેલી અથડામણોમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક જિલ્લામાં પહેલી મેએ બેંક વેનમાંથી રોકડની લૂંટ ચલાવનારા આતંકવાદીઓમાંથી એક હતો. સલામતી દળોને ઘટનાસ્થળેથી હથિયારો પણ મળી આવ્યા હતા. શોપિયાંમાં મોતને ભેટેલા જવાનોમાં એક મેજર કમલેશ પાંડે અને સિપાહી તાનઝિન છુલટિમનો સમાવેશ થાય છે. આ હુમલામાં બેથી ત્રણ આતંકવાદીઓ હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. આતંકવાદીઓનો હજુ કોઇ પત્તો લાગ્યો નહોતો.
સેનાને માહિતી મળી હતી કે, આતંકવાદીઓ ગામમાં જ છૂપાયેલા છે જે બાદ તેમણે સર્ચ તથા કોર્ડન ઓપરેશન હાથ ધર્યું હતું. બુધવારે મોડી રાતે અભિયાન હાથ ધરાયા બાદ ગુરૂવારે સવારે ગોળીબારમાં બે જવાન શહીદ થયા હતા. હુમલામાં અન્ય એક જવાન પણ ગંભીર રીતે ઘવાયો હતો. સેનાએ ટ્‌વીટર જવાનોના શહીદ થવાની ઘટનાની પુષ્ટિ કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કુલગામમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હોવાની શંકા સેવાઇ રહી છે. આ બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા. આ અથડામણ આશરે અડધો કલાક સુધી ચાલી હતી. મંગળવારે લશ્કરે તૈયબાના કમાન્ડર અબુ દુજાના આરિફ અહમદને ઠાર કરાયા બાદ ખીણમાં સેના પર હુમલા વધી ગયા હતા.