(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરના ઉધના ગામ તુલસી હોસ્પિટલ નજીક ઠાકોર નગર ખાતે આજે મળસ્કે સાડા ચાર વાગ્યે મીટરપેટીમાં શોર્ટ સર્કિટ થતા પાર્કિંગમાં રાખેલ ૮ ટુ વ્હીલર અને ૧ કાર સળગી ગઈ હતી. આગની જવાળા ઉપર ઉઠતા પહેલાં માળે એક પરિવારના ચાર સભ્યો દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મળસ્કે સાડા ચાર વાગ્યાના સુમારે ઉધના ગામ ખાતે મેકર નગરમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. તાત્કાલિક ફાયર ઓફિસર સોલંકી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ગ્રાઉન્ડ ફલોર સાથે ચાર માળની એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગના લીધે પાર્કિંગમાં રાખેલ ૮ ટુ વ્હીલર તેમજ ૧ કાર સળગી ગઈ હતી. આગની જવાળા ઉપર સુધી ઉઠતા પહેલાં માળે સીરવી પરિવારના રૂમમાં આગની ઝાળ પહોંચી હતી. ફલેટના દરવાજામાંથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ફાયરના જવાનોએ રેસ્કયુ કરીને પરિવારના ચારેય સભ્યોને બહાર કાઢ્યા હતા. મગન સીરવી (ઉ.વ.૩૮), લીલાબેન સીરવી (ઉ.વ.૩૨), રીયા (ઉ.વ.૧૨) અને વિક્રાંત (ઉ.વ.૭) દાઝી જતા ચારેયને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.