(એજન્સી) તા.ર૧
તેમના પિતા રાજીવ ગાંધીને તેમની ર૭મી પુણ્યતિથિ પર યાદ કરતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, મારા પિતાએ મને શીખવ્યું હતું કે જે નફરત રાખે છે તેના માટે નફરત જેલ છે. આજે તેમની પુણ્યતિથિ પર હું તેમનો આભાર માની રહ્યો છું કે તેમણે મને બધાની સાથે પ્રેમ અને આદર કરવાનું શીખવ્યું. આ એક અમૂલ્ય ભેટ છે જે એક પિતા તેના પુત્રને આપી શકે છે. તમે અમારા હૃદયમાં હંમેશ માટે વસેલા છો. સોમવારે વહેલી સવારે રાહુલ ગાંધી, તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીએ રાજીવ ગાંધીને દિલ્હી સ્થિત તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, સુશીલકુમાર શિંદે, મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમના સ્મારક પર હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૧માં અલગાવવાદી તમિલ સંગઠન એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.