જામનગર, તા. ૭
ધ્રોલના રાજપર ગામમાં આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકની પૈસાની લેતી-દેતીના મામલે તેના જ સાળાએ ધોકો ફટકારી હત્યા કર્યા પછી મૃતદેહને કૂવામાં નાખી દીધાની મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાસી છૂટેલા મામાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ધ્રોલ તાલુકાના રાજપર ગામમાં આવેલી વનરાજસિંહ ચંદુભા જાડેજાની વાડીમાં શ્રમિક તરીકે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રાજપુરા ગામના સુમાભાઈ ભગુભાઈ મેરડા નામના ભીલ પ્રૌઢને તેઓની સાથે જ રહેતા સાળા ઈન્દ્રસિંગ પૂનાભાઈ મુંઢળ સાથે બોલાચાલી થયા પછી શનિવારે ઈન્દ્રસિંગે ધોકા વડે હુમલો કરી બનેવી સુમાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યાર પછી સુમાભાઈને નજીકમાં આવેલા એક કૂવામાં નાખી દઈ ઈન્દ્રસિંગ નાસી ગયો હતો.આ બનાવની સુમાભાઈના પુત્ર લાલુને જાણ થતા તેણે મોડીરાત્રે પોતાના પિતા સુમાભાઈને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતા પરંતુ તે પહેલા સુમાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો દોડયો હતો. પીએસઆઈ વી.એન. આહિરે મૃતદેહને પી.એમ. માટે ખસેડી લાલુ સુમાભાઈનું નિવેદન નોંધ્યું હતું.
આ નિવેદનમાં ખૂલ્યા મુજબ લાલુભા પિતા સુમાભાઈ અને તેમના સાળા ઈન્દ્રસિંગ વચ્ચે સાળા-બનેવીના સંબંધના કારણે પૈસાની લેતી-દેતીનો વ્યવહાર હતો અને બન્ને વ્યક્તિઓ એક જ વાડીમાં રહી મજૂરી કરતા હતા તે દરમ્યાન આરોપી ઈન્દ્રસિંગના ભાઈની પત્ની રિસામણે ચાલી જતાં તેણીને પરત લાવવા માટે પૈસાની ઉભી થયેલી જરૂરિયાતથી ઈન્દ્રસિંગે બનેવીને મદદ કરવાનું કહેતા સુમાભાઈએ લાલુના સાસરિયા તરફથી આવેલી ચાંદી ગિરવે મૂકી તેની રકમ સાળાને આપી હતી. આ રકમ પરત માગતા મનદુઃખ ઉભું થયું હતું અને તેના કારણે ઉશ્કેરાયેલા ઈન્દ્રસિંગે શનિવારે રાત્રે બનેવીને ધોકો ફટકારી કૂવામાં નાખી દઈ તેઓની હત્યા નિપજાવી હતી.