(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.રર
ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારોની અસંગઠિત અને સંગઠિતક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકો વિરોધી નીતિ સામે ઉગ્ર વિરોધ કરવા આગામી તા.ર૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રાજ્યવ્યાપી રેલી યોજવામાં આવશે. આ રેલીને સંબોધન કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્યની વિસ્તૃત કારોબારી આજે ૨૨-૦૯-૨૦૧૯ના રોજ, કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના પ્રમુખ પદે રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી. અતિથી વિશેષ તરીકે અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અરબિંદ સિંગ હતા. કારોબારીના નિર્ણય પ્રમાણે તા.૨૪-૦૨-૨૦૧૯ના રોજ અમદાવાદમાં રાજ્યવ્યાપી રેલી કાઢવામાં આવશે. આ રેલીને સંબોધવા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને નિમંત્રણ આપવામાં આવેલ છે. આ રેલીમાં રાજ્ય સરકાર સામે કામદારો આરોપનામું ઘડી કાર્યક્રમ આપવામાં આવશે. રાજ્યમાં ૫ લાખ ફિક્સ પગાર ધારકો લાંબા સમયથી સરકારની શોષણ નીતિનો ભોગ બની રહ્યા છે. આઉટસોર્સિંગના નામે સરકારની મળતિયા કંપનીઓ કર્મચારીઓને અડધો પગાર ચૂકવીને કરોડો રૂપિયાનો વહીવટ કરી રહી છે. કોન્ટ્રાક્ટ પ્રથાના નામે રાજ્યના લાખો શ્રમિકો પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપ સરકારની શ્રમિક વિરોધી નીતિની સામે શ્રમિકો દ્વારા લડત અપાશે. લારી-ગલ્લાં, પાથરણા, રિક્ષા ચાલકો પોલીસના ડર અને ભયના વાતાવરણ વચ્ચે મહેનત કરીને રોજી-રોટી કમાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક સત્તામંડળોના હપ્તારાજને કારણે શ્રમિકો સતત અપમાનનો સામનો કરી રહ્યા છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી, ઇન્ટુક સેલના પ્રમુખ નૈષધ દેસાઈ, એ. આઈ. સી. સી.ના મંત્રી જીતેન્દ્ર બઘેલ પણ હાજર રહ્યા હતા.