(એજન્સી) કોલંબો, તા.૨૪
શ્રીલંકાના કોલંબોમાં સવોય સિનેમા પાસે બુધવારે સવારે અન્ય એક વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઇ હતી. મોટરસાઇકલ પર રાખવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીમાં ધડાકો થયો હતો. જોકે, આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. નોંધનીય છે કે શ્રીલંકામાં ગયા રવિવારે ઇસ્ટરના પ્રસંગે ૬ કલાકમાં થયેલા શ્રેણીબદ્ધ ૮ વિસ્ફોટોનો મૃત્યુઆંક વધીને ૩૫૯ થઇ ગયો છે. એક અહેવાલમાં પોલીસ પ્રવક્તા રૂવાન ગુનસેકેરાએ જણાવ્યું કે વ્યાપક તપાસ અભિયાન ચાલુ છે અને આ ભયંકર ઘટનાના સંદર્ભમાં મંગળવારે આશરે ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્લામી સ્ટેટ (આઇએસ)એ ટાપુ રાષ્ટ્રમાં આ ભયંકર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને હુમલો કરનારા આત્મઘાતી બોમ્બર્સની ઓળખ પણ કરી લેવામાં આવી છે. ઇસ્ટરના પ્રસંગે ચર્ચ અને ફાઇવ સ્ટાર હોટલ્સને લક્ષ્યાંક બનાવીને સાત આત્મઘાતી બોમ્બર્સે આત્મઘાતી હુમલા કર્યા હતા.

આતંકી હુમલા બાદ શ્રીલંકાના પોલીસ વડા અને
સંરક્ષણ સચિવને રાજીનામા આપવાનું કહેવાયું : અહેવાલ

(એજન્સી) કોલંબો, તા. ૨૪
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ દેશમાં રવિવારે ઇસ્ટરના પ્રસંગે ૩ ચર્ચ અને ૪ ફાઇવ સ્ટાર હોટલ્સમાં આત્મઘાતી હુમલાને પગલે શ્રીલંકાના પોલીસ વડા અને સંરક્ષણ સચિવને હોદ્દાએથી રાજીનામા આપવાનું કહી દીધું હોવાનું રાષ્ટ્રપતિના નિકટના સૂત્રોએ બુધવારે જણાવ્યું છે. શ્રીલંકાના ૮ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનો મૃત્યુઆંક ૩૫૯ થઇ ગયો છે. શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પહેલા ગુપ્તચર નિષ્ફળતાઓના સરકારમાંના આરોપો વચ્ચે આ બાબતની સંવેદનશીલતાને કારણે નામ આપવાનું સૂત્રોએ ઇનકાર કર્યો છે.

શ્રીલંકામાં આત્મઘાતી હુમલાના ૩ દિવસ બાદ કોલંબોમાં નવો બોમ્બ મળી આવ્યો : અહેવાલ

(એજન્સી) કોલંબો, તા.ર૪
ગત રવિવારે દેશને ધમરોળી નાખનારા શ્રેણીબદ્ધ ધડાકાઓ બાદ બુધવારે શ્રીલંકાના પાટનગર કોલંબોમાં એક શોપિંગ મોલના સિક્યોરિટી ગાર્ડ જેણે સમગ્ર ઘટના જોઈ હતી. જણાવ્યું કે આ બોમ્બ મોટરબાઈકમાં સંતાડાયેલો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓએ બોમ્બ મોટરબાઈકમાંથી બહાર કાઢ્યો હતો. અત્યાર સુધીમાં હુમલાઓમાં માર્યા ગયેલાઓમાં એક ચીની નાગરિકનો સમાવેશ થાય છે. ચારનાં મૃત્યુ થયા હોવાની આશંકા છે અને પાંચ ઘવાયા છે તેમ મીડિયાને પોતાના તાજેતરના અહેવાલમાં ચીની રાજદૂતે જણાવ્યું હતું. પાંચ ઘવાયેલા ચીની નાગરિકોમાંથી ચારને હોસ્પિટલમાંથી રજા અપાઈ ગઈ છે. જ્યારે એક હજુ સારવાર હેઠળ છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રવિવારે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં ૩પ૯ લોકો માર્યા ગયા હતા. જ્યારે પ૦૦થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી. શ્રીલંકન પોલીસે અત્યાર સુધીમાં પ૮ શંકાસ્પદોની ધરપકડ કરી છે.