મુંબઇ, તા. ૨૭
બીસીસીઆઇના જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલક) એમવી શ્રીધરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. બુધવારે તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાનું રાજીનામું સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી સમિતિને સોંપી દીધું છે જેને સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવીરહ્યું છે કે, હિતોના ટકરાવના આરોપોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. અહેવાલો અનુસાર શ્રીધરે પોતાનું રાજીનામું બુધવારે બીસીસીઆઇના મુખ્યમથકે સીઓએ બેઠક દરમિયાન આપ્યું હતું. શ્રીધરને ૩૦મી સપ્ટેમ્બરે પદમુક્ત કરવામાં આવશે. હાલ સીઇઓ રાહુલ જોહરીત્રણ સભ્યોની ટીમની મદદથી ક્રિકેટનું સંચાલન કરશે. આ ટીમમાં મયંક પારીખ, કેવીપી રાવ અને ગૌરવ સક્સેના સામેલ થશે. શ્રીધર પર આરોપ હતો કે, તેમણે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન અંતર્ગત આવનારી કેટલીક ક્લબોમાં પોતાની માલિકીના હકની જાણકારીને છુપાવી હતી. આમ કરીને સીધું લોઢા કમિટીની ભલામણોના નિયમો અંતર્ગત હિતોનો ટકરાવના દાયરામાં આવી રહ્યું હતું. તેથી તેમને કોઇપણ શરત વિના રાજીનામું આપવાના નિર્દેશ અપાયા હતા. શ્રીધર પોતાના ગૃહરાજ્ય એસોસિએશન હૈદરાબાદ સીએમાં નાણાકીય ગેરરીતિના આરોપોના કારણે સવાલોના ઘેરામાં હતા. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી છ ક્લબોમાં તેમની ભાગીદારી હતી જે અંગે તેમણે જાણ કરી નહોતી.