ભારતની સુરક્ષા બાબત ચિંતાઓ વધી
(એજન્સી) કોલંબો, તા.ર૮
શ્રીલંકા પોતાનો દક્ષિણ બાજુએ આવેલ હંબનટોટા બંદર ચીનને સોંપવાના કરાર ૧.૧ બિલિયન ડોલરમાં કરશે. સ્થાનિક લોકોના વિરોધોના લીધે આ સોદામાં વિલંબ થયો હતો. વિરોધ પક્ષો આ સોદાને પોતાના દેશની સુરક્ષા માટે ખતરો ગણાવતા હતા. શ્રીલંકાના દક્ષિણમાં આવેલ હંબનટોટા બંદર એશિયાથી યુરોપ જવા માટે એક મુખ્ય રસ્તો છે. આનાથી ચીનનો રોડો અને બેલ્ટો બનાવવાના પ્રયાસોને અનૂકૂળતા મળશે. ચીનની કંપનીએ આ બંદરને ૧.પ બિલિયન ડોલરના ખર્ચે તૈયાર કર્યું હતું. જેમાંથી ૮૦ ટકા હિસ્સો ચીન ખરીદી લેશે. આ માટેની સમજૂતિ ગયા વર્ષે કરાઈ હતી પણ લોકોના વિરોધના લીધે સોદો અટકેલ હતો. આ બંદરની ૧પ૦૦૦ એકર જમીન ચીનને ૯૯ વર્ષના ભાડા પટ્ટે અપાઈ છે જેની ઉપર ચીન ઔદ્યોગિક ક્ષેત્ર ઊભું કરશે. પણ લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે આ હેતુ પાછળ ચીનનો અસલ ઉદ્દેશ્ય પોતાની લશ્કરી ગોઠવણ કરવાનો છે. આ સોદો પાર પાડવા લંકાની કેબિનેટે મંજૂરી આપી હતી અને દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ સોદાથી શ્રીલંકાની નાણાં ભીડ થોડી હળવી થશે. પાછલી સરકારે ચીન પાસેથી ૬ બિલિયન ડોલરની લોન લીધી હતી. અમેરિકા, ભારત અને જાપાને આ સોદા બાબત પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. એમણે જણાવ્યું કે ચીનનો ઉદ્દેશ્ય હંબનટોટા બંદર ઉપર લશ્કરી મથક બનાવવાનો છે. ભારતની ચિંતાઓ પણ વિશેષ વધી રહી છે. ચીન ભારતની ફરતે પોતાના બંદરો ગોઠવતો જાય છે. પાકિસ્તાનમાં આવેલ ગ્વાદર બંદર એમણે લીધું છે. નેપાળ અને બાંગ્લાદેશમાં પણ એ પોતાનો અધિપત્ય જમાવવા પ્રયાસો કરી રહ્યો છે.