(એજન્સી) જમ્મુ,તા.૪
જમ્મુ-કાશ્મીર સરકારે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે દિવસ રવિવાર અને બુધવાર માટે નાગરિક અવરજવર પર પ્રતિબંધ લગાવી દિધો છે અને આ દિવસો દરમ્યાન માત્ર સરકારી દળોના કાફલાને સવારે ૪થી સાંજે પ વાગ્યા સુધી આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે. આ પ્રતિબંધ ૩૧ મે સુધી લાગુ રહેશે. આ પગલું કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના ૧૪ ફેબ્રુઆરીના પુલવામા હુમલા પછી સેનાના કાફલાની સાથે નાગરિક અવરજવરની પરવાનગી ના આપવાની જાહેરાત પછી છે. પુલવામાના એક આત્મઘાતી હુમલાખોરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સીઆરપીએફના કાફલામાં વિસ્ફોટકો સાથે ભરેલી વેન અથડાવી હતી. જેમાં ૪૦થી વધુ અર્ધસૈનિક દળના જવાનો મૃત્યુ પામ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે સંસદીય ચૂંટણી દરમ્યાન ધોરીમાર્ગ પર સરકારી દળોની વધતી અવરજવર અને ફિદાયીન હુમલાની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા જમ્મુ-કાશ્મીર સરકારે સુરક્ષા દળોની અવરજવર માટે અઠવાડિયામાં આ બે દિવસો અધિસુચિત કરવામાં આવ્યા છે.
આ પગલાથી નાગરિકોને થનારી અસુવિધાને ઓછી કરવા માટે સરકારે વિશેષ રીતે સુરક્ષા દળોના કાફલાની અવરજવર માટે અઠવાડિયામાં બે દિવસ એટલે રવિવાર અને બુધવારને અધિસુચિત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. આ બે દિવસો દરમ્યાન સવારે ૪ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. તેમણે જણાવ્યું કે, આ પ્રતિબંધ બારામુલાથી શ્રીનગર, કાજીગુંડ, જવાહર-સુરંગ, બનિહાલ અને રામબન થઈને ઉધમપુર સુધી હશે.
સરકારે નિર્ણય લીધો છે કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં અથવા કોઈ અન્ય ઉદ્દેશ માટે સ્થાનિક અવરજવરની જરૂરિયાત હોવાની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ તે માટે જરૂરી પ્રક્રિયાઓ વિકસીત કરશે. જેવું કે, કરફ્યુના દિવસોમાં કરવામાં આવે છે. આ પ્રતિબંધ ૩૧ મે સુધી લાગુ રહેશે.