(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સુપ્રીમકોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે શું સરકાર આંતરરાષ્ટ્રીય બાંહેધરીનું પાલન કરી શકશે અને રોહિંગ્યા મહિલાઓ, બાળકો બીમાર અને વૃદ્ધોનું રક્ષણ કરી શકશે જે ખરી રીતે સહન કરી રહ્યા છે ? સરકારે રજૂઆત કરી કે અમે ૪૦ હજાર રોહિંગ્યાઓને એમના દેશમાં મોકલવા માંગીએ છીએ જે મુદ્દો કાયદાકીય પરિપ્રેક્ષ્યથી બહાર છે. પણ કોર્ટે સરકારની આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી. મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ કહ્યું મારો ૪૦ વર્ષનો અનુભવ છે કે જ્યારે આ પ્રકારની અરજી અનુચ્છેદ ૩ર હેઠળ કરવામાં આવે છે ત્યારે કોર્ટ ન્યાયક્ષેત્રનું નિર્ણય લેવામાં ખૂબ જ ધીમીગતિએ કામ કરે છે. સરકારે રજૂઆત કરી કે અમે બધી સરકારોને જણાવ્યું છે કે, એ રોહિંગ્યા મુસ્લિમોને ઓળખી કાઢે અને દેશમાંથી દૂર કરવા પ્રયાસો કરે. સરકારે એ પણ જણાવ્યું કે, બધા રોહિંગ્યાઓ ત્રાસવાદીઓ નથી પણ એમાંથી અમુક હોઈ શકે છે. સુપ્રીમકોર્ટના આકરા વલણથી સરકાર નરમ પડી અને કહ્યું કે આ મુદ્દાને સમગ્રપણે નહીં પણ પ્રત્યેક કેસને અલગથી તારવી જોવું પડશે. વરિષ્ઠ વકીલ નરીમાને રોહિંગ્યાઓ વતી રજૂઆતો કરતાં કહ્યું કે સરકાર પોતાની ફરજ ભૂલી ગઈ છે જેના લીધે એમણે રાજ્યોને નિર્દેશો આપ્યા છે. સરકાર કહે છે કે, રોહિંગ્યાઓને પાછા મોકલવાનો નિર્ણય કરવાની સત્તા ફકત એમની પાસે છે. એ હકીકત સત્ય નથી. આપણા બંધારણમાં જે જણાવેલ છે. એનાથી વિરોધાભાસી વલણ સરકાર બતાવી રહી છે. એમણે સરકારના દાવાને રદ કર્યું જેમાં સરકારે કહ્યું હતું કે રોહિંગ્યાઓ ભારતીય નાગરિકોના હિસ્સામાં આવેલ સ્ત્રોતોને ખાઈ જશે. અમારું બંધારણ લોકોના જૂથોના અધિકારોને રક્ષણ આપતું નથી પણ વ્યક્તિગત અધિકારોને રક્ષણ આપે છે. નરીમાને કહ્યું કે હું પણ બ્રિટિશ બર્માનો શરણાર્થી છું. બંધારણના અનુચ્છેદ ર૧ દ્વારા બધા જ નાગરિકોને જીવન જીવવાનો અધિકાર અપાયેલ છે જેમાં શરણાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જે લોકો પોતાના દેશમાં ફેલાયેલ અત્યાચારોથી બચવા માટે અન્ય દેશમાં શરણ લેવા આવ્યા છે. પ્રત્યેક દેશ માટે શરણાગતિ આપવી અનિવાર્ય છે અને વૈશ્વિક છે. ભારત સરકારે હંમેશ શરણાર્થીઓને રક્ષણ આપ્યું છે અને એમના અધિકારોને સાચવ્યા છે. સરકારે જે ૮મી ઓગસ્ટે બધા રાજ્યોને પત્ર લખી રોહિંગ્યાઓને ઓળખી દૂર કરવા માટે જે તાકીદ કરી છે. એ સરકારની નીતિઓની તદ્દન વિરૂદ્ધ છે. એ બંધારણના અનુચ્છેદ ૧૪નો ભંગ છે. નરીમાને સરકારના ર૯મી ડિસેમ્બર ર૦૧૧ના દિશાનિર્દેશ તરફ ધ્યાન ખેંચ્યું જેમાં વિદેશી નાગરિકોના વીઝા લંબાવવા માટે છૂટ અપાયેલ છે. જેમાં બધા વિદેશી નાગરિકોનો સમાવેશ થઈ જાય છે. ભારત હંમેશ અન્યોનો બોજ વહેંચવામાં અગ્રસર રહ્યું છે. ભારતે કાયમ માનવીય વલણ દાખવ્યું છે. એમણે નેપાળના ભૂકંપનો હવાલો આપ્યો જેમાં ભારતે નેપાળને બધા પ્રકારની સહાયતા કરી હતી. કોર્ટે સરકારને જણાવ્યું કે નરીમાનની દલીલોનો જવાબ આપે જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે યોગ્ય પગલાં લેવા જણાવેલ છે. રોહિંગ્યાઓએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે અમારામાંથી તમને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ ત્રાસવાદી જણાય એની સામે સખ્ત પગલાં લો અને એમનો શરણાર્થીનો દરજ્જો રદ કરી દો. રોહિંગ્યા કોમની બધી વ્યક્તિઓ ત્રાસવાદી છે એ સરકારની દલીલ ખોટી છે. ભારત સરકારે રજૂઆત કરી છે કે એ એમણે ૧૯પ૧ની શરણાર્થી સમજૂતીમાં સહી કરી નથી. પણ ભારતે અન્ય સમજૂતીઓમાં સહીઓ કરી છે જે મુજબ એ શરણાર્થીઓને દેશ બહાર કાઢી શકે નહીં.