(એજન્સી) નવી દિલ્હી, તા.૧
આત્મહત્યા સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા બની રહી છે. સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો દ્વારા આત્મહત્યા કરાયાની ખબર વારંવાર આવી રહી છે. હાલમાં નેટફલિક્સની એક સીરિઝને રોકવામાં આવી જે આત્મહત્યા પર આધારિત હતી. ઈન્ટરનેટ અને એપ્લિકેશનના જમાનામાં એક આત્મહત્યા કરવાવાળી રમત આવી છે જેણે મુંબઈના ૧૪ વર્ષીય બાળક મનપ્રિતનો ભોગ લીધો. માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં યુવાનો આ ગેમને જીતવા માટે આત્મહત્યા કરી રહ્યા છે. શું છે આ રમત અને આ રમત લોકોને આત્મહત્યા કરવા કેમ પ્રેરી રહી છે ? સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર એક ગ્રુપ છે જે આ કાર્ય કરી રહ્યું છે. આ ગ્રુપ પોતાના સભ્યોને પ૦ દિવસ સુધી રોજ એક ટાસ્ક આપે છે. આ ટાસ્ક ઘણા જ ખતરનાક અને જીવલેણ હોય છે. આ ટાસ્કમાં પોતાને નુકસાન પહોંચાડવું, કોઈ અજાણી જગ્યાએ ફરવા જવું કે હોરર ફિલ્મ જેવા ટાસ્કનો સમાવેશ થાય છે. આ રમતના પચાસમાં દિવસે આ રમતના સંચાલકો રમનારને આત્મહત્યા કરવાનું કહે છે. તદુપરાંત આત્મહત્યા કરવાના રસ્તા પણ બતાવે છે. જો કે, આ રમત વિશે કોઈ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી. કેટલાક લોકોના મત અનુસાર આ રમત ઈન્સ્ટોલ કરીને રમાય છે તો અન્ય મત અનુસાર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમથી આ રમતનું સંચાલન થાય છે. બ્રિટનની એક સંસ્થાએ બાળકોને ભીડને ફોલો ન કરવા અને આવી હાનિકારક પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરી છે.