(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમકોર્ટે આજે ભારતીય પુરાતત્ત્વ વિભાગની તાજમહેલના રક્ષણમાં નિષ્ફળ જવા બદલ જોરદાર ઝાટકણી કાઢી હતી. તાજમહેલ ઉપર જીવજંતુઓના હુમલાઓના લીધે સુપ્રીમકોર્ટે એએસઆઈ અને સરકાર સામે પ્રશ્નો કર્યા કે બન્નેએ તાજમહેલના રક્ષણ માટે શું પગલાં લીધા છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે જો એએસઆઈએ પૂરતા પગલાં લીધા હોત તો પરિસ્થિતિ બગડી નહીં હોત. સુપ્રીમકોર્ટે આશ્ચર્ય સાથે એએસઆઈને પ્રશ્ન કર્યો કે તમે કઈ રીતે પોતાનો બચાવ કરી રહ્યા છો અને સરકારને પ્રશ્ન કર્યો કે તમે વિચાર કરો કે તાજમહેલના રક્ષણ માટે તમને એએસઆઈની જરૂર છે કે નહીં ? સરકાર તરફથી હાજર રહેલ વકીલ નાડકર્ણીએ કહ્યું પર્યાવરણ અને જંગલખાતું સુપ્રીમકોર્ટના સૂચન બાબત ધ્યાન આપી રહ્યા છે જેમાં કોર્ટે સલાહ આપી હતી કે દેશ અથવા વિદેશના નિષ્ણાંતોની મદદ લો જેથી તાજમહેલનું રક્ષણ કરી શકાય. એએસઆઈ તરફે હાજર રહેલ વકીલે કહ્યું કે, કીટકો, લીલ અને જીવાણુઓનો પ્રશ્ન છે જે યમુના નદીના સ્થિર પાણીમાં પેદા થઈ રહ્યા છે. એમણે કહ્યું કે, લીલ એક મોટી સમસ્યા છે અને જે પણ સ્થાપત્યો નદી કિનારે આવેલ છે એ બધામાં આ જ પ્રશ્ન છે. સુપ્રીમકોર્ટે પ્રશ્ન કર્યો કે લીલ તાજમહેલની ઉપર કઈ રીતે પહોંચી. એએસઆઈએ કહ્યું કે ઉડીને કોર્ટે આશ્ચર્ય સાથે પૂછયું શું લીલ ઉડી શકે છે ? એએસઆઈએ કહ્યું કે તાજમહેલના ફરસ ઉપર લોકો ઉઘાડા પગે ચાલે છે. જુરાબ નથી પહેરતા જેના લીધે ગંદુ થાય છે. અમે ફકત વીઆઈપી લોકોને જ જુરાબ પૂરા પાડીએ છીએ. અન્ય લોકો પોતાના જુરાબ પહેરે છે જેનાથી પણ તાજનો રંગ બગડી રહ્યો છે. કોર્ટે નારાજ થઈ કહ્યું કે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, એએસઆઈ માનવા માટે તૈયાર જ નથી કે કોઈ પ્રશ્ન છે. જો એએસઆઈ એમણે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ના થઈ હોત. અમને લાગે છે કે, અમારે તપાસ કરવાની જરૂર છે કે અમે કઈ રીતે એએસઆઈને દૂર રાખીને તાજમહેલનું રક્ષણ કરી શકીએ. સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને પણ જણાવ્યું હતું કે, તાજના રક્ષણ માટે એમની શી યોજના છે એ વિસ્તૃત રીતે જણાવે. સરકારે જણાવ્યું કે અમે પ્રયાસો કરીએ છીએ કે તાજમહેલને બીજા ૪૦૦ વર્ષ સુધી જાળવવો જોઈએ અને નહીં કે ફકત એક કે બે પેઢીઓ સુધી. સુપ્રીમકોર્ટે તાજમહેલના રક્ષણ માટે નિષ્ફળ જનાર એએસઆઈની તીવ્ર ઝાટકણી કાઢી હતી. એએસઆઈએ પોતાના બચાવમાં કહ્યું લીલ અને પ્રવાસીઓના મેલા જુરાબોના લીધે તાજમહેલ બગડી રહ્યો છે. એએસઆઈએ કહ્યું જે લોકો જુરાબ પહેરી આવે છે એ ઘણી વખત મેલા હોય છે જેથી ફરસ બગડે છે જેની અસર સમગ્ર તાજ ઉપર પડે છે. એએસજી તુષારે કહ્યું વિદેશોમાં ઘણી જગ્યાઓ ઉપર ડિસ્પોઝેબલ જુરાબો આપવામાં આવે છે. અરજદાર એમ.સી.મહેતાએ કહ્યું યમુનાનું પાણી ગંદુ છે. પહેલાં માછલીઓ હતી જે લીલને ખાતી હતી પણ સરકારે બૈરાજ બનાવવાનું કાર્ય હાથ ધર્યું છે જેથી યમુનામાં પાણીની સપાટી ઓછી થઈ ગઈ છે. એએસઆઈએ કહ્યું કે તાજમહેલ બગડવા માટે મેલા જુરાબો ઉપરાંત ગંદા જીવડાઓ અને લીલ પણ છે. સુપ્રીમકોર્ટે કહ્યું રર વર્ષ પહેલાં ૧૯૯૬માં અપાયેલ અમારા આદેશોનો અમલ હજુ સુધી થઈ શકયો નથી, જે દુઃખદ બાબત છે. સુપ્રીમકોર્ટે ઉ.પ્ર. સરકારને ૧૦૪૦૦ ચો. કિ.મી. વિસ્તાર જે તાજ ટ્રેપોઝિયમ વિસ્તારથી ઓળખાય છે. એ વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટે સરકારે શું પગલાં લીધા એ રજૂ કરે.