(એજન્સી) તા.ર૮
બાબા રામ-રહીમને સીબીઆઈ કોર્ટે બળાત્કાર કેસમાં દોષી ઠરાવી સજા ફટકાર્યા પછી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે એમનો બચાવ કરતાં નિવેદન આપ્યું હતું કે, એક વ્યક્તિ રામ-રહીમની વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ કરે છે. કરોડો લોકો એને ભગવાન માને છે. તમે કોને ખરો માનો છો ? એક વ્યક્તિને કે કરોડો લોકોને? એમણે કહ્યું કે, રામ-રહીમ અને અન્ય સંતોને બદનામ કરવા ષડયંત્ર ઘડાઈ રહ્યું છે. જે ષડયંત્ર ભારતની સંસ્કૃતિને બદનામ કરનાર છે. જો મોટી હિંસાની ઘટના થશે તો એના માટે કોર્ટ પણ જવાબદાર રહેશે, નહીં કે ફકત ડેરા સમર્થકો. હિંસા ફેલાઈ રહી છે, કાયદો વ્યવસ્થા તૂટી ગઈ છે, લોકો મરી રહ્યા છે. શું આ વાતને ધ્યાનમાં નહીં લેવી જોઈએ ? રામ-રહીમ સીધો વ્યક્તિ છે જેથી એને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સાક્ષી મહારાજે ર૬મી ઓગસ્ટે નિવેદન આપ્યું હતું. જેના બીજા દિવસે મોદીએ ‘મન કી બાત’માં કહ્યું હતું કે, આસ્થાના નામે હિંસા ના થવી જોઈએ. કાયદાથી કોઈ ઉપર નથી. પણ એમણે સાક્ષી મહારાજ જેવા પોતાના પક્ષના નેતાઓનું નામ પણ નથી લીધું. આ એવી વ્યક્તિ છે જેમણે બળાત્કાર જેવા ગંભીર ગુનાને સામાન્ય ગણાવ્યો છે. ડેરા સમર્થકોને હિંસા કરવા પ્રેરિત કર્યા છે અને કોર્ટના ચુકાદાની ટીકા કરી કોર્ટની અવમાનના કરી છે. સાક્ષી મહારાજ પોતે પણ હત્યા અને બળાત્કારના કેસોનો સામનો કરી રહ્યા છે. એમની સામે કુલ ૩૪ ફોજદારી કેસો ચાલી રહ્યા છે. એમને ર૦૦૬ના વર્ષમાં રાજ્યસભામાંથી ભ્રષ્ટાચારના આક્ષેપોના લીધે બરતરફ કરવામાં આવ્યા હતા. ર૦૦૮માં પણ સાક્ષી મહારાજને સાંસદો માટે અપાયેલ ફાળાના દુરૂપયોગ બદલ દોષિત જાહેર કરાયા હતા. એમણે રપ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. સાક્ષી મહારાજ, સાક્ષી મહારાજ ગ્રુપના ડાયરેકટર છે જેમના નેતા હેઠળ એ ૧૬ શૈક્ષણિક સંસ્થાઓની માલિકી ધરાવે છે. એ ઉપરાંત દેશમાં એમના ૪૪ આશ્રમો આવેલ છે. એમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ છે તેમ છતાંય એ સંસદસભ્ય થવામાં સફળ રહ્યા છે. એ પોતાની ધાર્મિક ચળવળો ચલાવે છે. પોતાને કાયમ રાજકારણથી જોડી રાખેલ છે જેથી સરકાર પાસેથી ગમે તે પ્રકારે નાણાં મેળવી શકાય. સાક્ષી મહારાજ કાયમ વિવાદિત નિવેદનો કરે છે જેથી ચર્ચામાં રહી શકે. પોતાના સમર્થકોના જોરે એ પોતાની રાજકીય કારકિર્દી ચલાવી રહ્યા છે.