નવી દિલ્હી, તા. ૨૯
ગુજરાતના સુરતમાં બે કથિત શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી આરોપ લગાવ્યો હતો કે, આમાં એક કથિત આતંકવાદી એ હોસ્પિટલમાં કામ કરતો હતો જેની સાથે અહમદ પટેલ જોડાયેલા છે. રૂપાણીએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ માગ કરી છે કે, તેઓ અહમદ પટેલ પાસે રાજીનામું માગી લે. જોકે, મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ બાદ અહમદ પટેલે પોતે ટિ્‌વટની વણઝાર સર્જી આરોપોને ધરમૂળથી ફગાવતાં ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજકારણ ન કરવા સલાહ આપી હતી. તેમણે ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, આતંકવાદ સામે લડવાના સમયે ગુજરાતની શાંતિપ્રિય પ્રજાને વિભાજિત કરવાનો પ્રયાસ ન કરે. આ સાથે જ અહમદ પટેલે દાવો કર્યો હતો કે, તેમણે ૨૦૧૩માં જ હોસ્પિટલમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ હોસ્ટિટલે પણ ખુલાસો કર્યો હતો કે, અહમદ પટેલ અથવા તેમના પરિવારના કોઇ સભ્ય અહીં ટ્રસ્ટી નથી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં અહમદ પટેલના નિમંત્રણ પર તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ આવ્યા હતા. તેમણે હોસ્પિટલના ટ્રસ્ટી પદેથી ભલે રાજીનામું આપી દીધું હોય પરંતુ પટેલ જ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા અને સમાજસેવક તરીકે તેમની જવાબદારી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે જેમાં આ હોસ્પિટલના સમારોહ પ્રસંગે તત્કાલિન રાષ્ટ્રપતિ અને અહમદ પટેલ ઉપરાંત વિખ્યાત કથાકાર ધર્મગુરૂ મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોટા સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ રહી છે. કોંગ્રેસે કહ્યું છે કે, મોરારી બાપુ પણ સમારોહમાં હાજર હતા તો શંુ તેઓ પણ દેશદ્રોહી છે ? કોંગ્રેસના કાર્યકરો જણાવે છે કે, શું વિજય રૂપાણીના કહેવાનો અર્થ એ છે કે, મોરારી બાપુ પર પણ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગવો જોઇએ. એટલું જ નહીં મોરારી બાપુ લાંબા સમયથી હોસ્પિટલ સાથે જોડાયેલા છે. નાણા એકઠા કરવા માટે તેમણે હોસ્પિટલના ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, પરંતુ આતુર ભાજપ દરેક મહાન કાર્ય સામે પ્રશ્નો ઉઠાવે કેમ કે, તે કોઇપણ કિંમતે ચૂંટણી જીતવા માગે છે. મોરારી બાપુના આ ફોટા ઓક્ટોબર ૨૦૧૬ના છે જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મોરારી બાપુ પણ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના ઉદ્‌ઘાટન સમારોહમાં સામેલ થયા હતા. આ ઉપરાંતઅહમદ પટેલ પણ અહીં ઉપસ્થિત હતા.