બેહરોર, તા.૧૫
રાજસ્થાનના અલવરમાં એપ્રિલ માસમાં કથિત ગૌરક્ષકો દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારાયેલા પશુપાલક પેહલૂખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા કર્મશીલોને હિંદુ સંગઠનોએ અટકાવતા બેહરોરમાં વિવાદ ઊભો થયો હતો. કારવાં-એ-મોહબ્બત નામના સંગઠનોથી ભરેલી બસ રાજસ્થાનના આ નાનકડા શહેરની શેરીઓમાંથી પસાર થઇ રહી હતી ત્યારે હિંદુ કટ્ટરવાદી જૂથના સભ્યો ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા સૂત્રો પોકારતા બસની આગળ આવી ગયા હતા.
પેહલૂખાનની હત્યા ફરીવાર ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક દિવસ પહેલા તેમની હત્યાના છ આરોપીઓને પોલીસે ક્લિન ચીટ આપી તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. આ ક્લિન ચીટ બાદ રાજસ્થાનના ઘણા ભાગોમાંથી અવાજ બુલંદ થયો હતો કે, રાજસ્થાન સરકાર ગૌરક્ષકો સામેના કેસોમાં ઘણી ધીમી તપાસ કરી રહી છે. પેહલૂખાનની હત્યાને પણ ભારતભરમાં મુસ્લિમો અને દલિતો પર ગાયની રક્ષાના નામે થઇ રહેલા હુમલાઓમાં સામેલ સૌથી ભયાનક હુમલામાં સામેલ કરવામાં આવી છે. પહેલી એપ્રિલે ખાનની જે સ્થાને હત્યા થઇ હતી તે સ્થળે ગૌરક્ષકો દ્વારા ધમાલ મચાવ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ હતી. કર્મશીલ અને લેખક હર્ષ મંદરે જણાવ્યંુ હતું કે, અમે અહીં પેહલૂખાન અને નફરતના અત્યાચારનો ભોગ બનેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. જ્યારે કાર્યકરોની બસ બેહરોરની એસપી ઓફિસે પહોંચી ત્યારે કટ્ટરવાદીઓના મોટા ટોળા પણ ત્યાં પહોંચી ગયા હતા. આ દરમિયાન કટ્ટરવાદી જૂથમાંથી એકે જણાવ્યું હતું કે, અમે તમને પેહલૂખાનને શ્રદ્ધાંજલિ આપવા નહીં દઇએ. શું આ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે કે પછી સરહદ પર શહીદ થનારા લોકોમાંથી છે તો તમે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો ? બાદમાં કટ્ટરવાદીઓના દબાણમાં પોલીસે પણ કર્મશીલોને પેહલૂખાનની હત્યા થયેલા સ્થળ પર જવાનો ઇન્કાર કર્યો હતો. જેના પગલે હર્ષ મંદરે પણ ધરણા પર બેસી કહ્યું કે, જ્યાં સુધી અમે પેહલૂખાનને શ્રદ્ધાંજલિ નહીં આપીએ ત્યાં સુધી અમે આ સ્થળ છોડીને નહીં જઇએ. વાતચીત બાદ ફક્ત હર્ષ મંદરને પેહલૂખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જવા દેવાયા હતા. આ ટુકડી જયપુર પહોંચે તે પહેલા હર્ષ મંદરે જણાવ્યંુ હતું કે, નફરતની હિંસાનો બોગ બનેલા તમામ લોકોના પરિવારજનો માટે અમેે પ્રાર્થના કરી હતી.