(એજન્સી) બેંગલુરૂ, તા. ૧૫
કર્ણાટકના પાટનગર બેંગલુરૂના એસજી પલ્યામાં રાત્રે એક વાગે છોકરાઓનાનું એક ગ્રુપ ચા પીવા માટે પોતાના ઘરેથી બહાર નીકળ્યું ત્યારે છોકરાઓને ખબર ન હતી કે એક સંકટ બહાર તેમની રાહ જોઇ રહ્યું છે. ૧૮ વર્ષીય ઇકરામ (નામ બદલ્યું છે) અને તેના બે મિત્રો સાથે ચા પીવા માટે પોતાના ફ્લેટમાંથી બહાર નીકળ્યા હતા અને ઇકરામનો મોટો ભાઇ સૈફ (નામ બદલ્યું છે) અન્ય બે મિત્રો સાથે ફ્લેટમાં જ રોકાયો હતો. થોડીક વારમાં જ સૈફને તેના નાના ભાઇનો મદદ માગતો અવાજ સંભળાયો. ઇકરામ અને તેના બે મિત્રોને પોલીસવાળાઓએ પકડી લીધા હતા અને તેમની પાસે જાણવા માગ્યું હતું કે તેઓ આટલી રાત્રે રોડ પર શું કરી રહ્યા છે. સૈફ પોલીસવાળા પાસે પહોંચ્યો અને પૂછ્યું કે મામલો શું છે ? પોલીસવાળાઓએ તેમની પાસે આઇ કાર્ડ માગ્યા. સૈફ મુસ્લિમ હોવાનું જાણ્યા બાદ પોલીસવાળાઓએ તેમને પૂછ્યું કે શું તેઓ પાકિસ્તાની છે ? પોલીસે છોકરાઓને કહ્યું કે તેઓએ તાજેતરમાં જ કેટલાક ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. સૈફને એમ કહેતા ટાંકવામાં આવ્યું છે કે હું સ્તબ્ધ થઇ ગયો કે પોલીસવાળા તેમને શા માટે આ બધું બતાવી રહ્યા છે. સૈફને આઘાત લાગ્યો અને તેણે પોલીસવાળાને ફરી પૂછ્યું કે મામલો શું છે. ત્યાર પછી પોલીસવાળાઓએ યુવકોને તેમના ફોન આપી દેવાનું કહ્યું. ઇકરામના મિત્રોએ પોલીસને તેમના ફોન બતાવી દીધા હોવા છતાં પોલીસવાળાઓએ તેમના ફોન છીનવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ સૈફે પોલીસવાળાઓને કહ્યું કે શું મારી વસ્તુઓ તપાસનું તમારી પાસે વોરન્ટ છે. મારા પ્રશ્નથી પોલીસવાળો છંછેડાઇ ગયો. તે મારી તરફ આવ્યો અને કહ્યું કે જો મારે વોરન્ટ જોઇતું હોય તો પોલીસ સ્ટેશન આવવું પડશે. દરમિયાનમાં પોલીસવાળાઓ યુવકોને વારંવાર પૂછતા રહ્યા કે શું તેઓ પાકિસ્તાની છે ? તેમનામાંથી એક યુવકે પોતાના ફોનમાં આ ઘટનાની ફિલ્મ બનાવવાનું શરૂ કરી દેતા પોલીસવાળા ઉશ્કેરાઇ ગયા હતા. એક પોલીસવાળાએ વીડિયો ઉતારવાનું બંધ કરવાનું કહ્યું હતું. વીડિયો બતાવે છે કે રેકોર્ડીંગ કરનાર યુવક કહી રહ્યો છે કે સર, આ જાહેર સ્થળ છે અને હું રેકોર્ડ કરી શકું છું. થોડીક જ વાર પોલીસવાળાઓએ અન્ય પોલીસવાળાઓને બોલાવી લીધા અને બધા યુવકોને બળજબરીથી તેમની પેટ્રોલિંગ કારમાં ધક્કામારીને બેસાડીને પોલીસ મથકે લઇ ગયા. રાત્રે દોઢ વાગે તેમને એસજી પલ્યા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ મથકે એક રૂમમાં પુરીને યુવકોને લાઠીઓથી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણ પોલીસવાળાઓએ તેમના સ્થાનિક ગાર્ડિયન ન આવ્યા ત્યાં સુધી એટલે કે રાત્રે ૩-૩૦ વાગ્યા સુધી માર માર્યો હતો. જોકે આ ઘટના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતાની સાથે જ ડીસીપી (વાઇટફિલ્ડ) એમએન અનુચેથે કેસની તપાસનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાથી મને આ ઘટનાની જાણ થઇ હતી.