(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૭
રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષનો તાજ સંભાળી રહ્યાના ખબર વચ્ચે એક અફવા એવી પણ ઉડી કે ભાજપના સાંસદ અને તેમના પિત્રાઈ ભાઈ વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થવાના છે. વરૂણ ગાંધી દિવંગત સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર છે અને તેઓ સુલતાનપુરથી ભાજપના સાંસદ છે. આગરામાં સ્થાનિક કોંગ્રેસીઓ એવું માની રહ્યાં છે કે વરૂણ ગાંધીને ભાજપમાં ઝાઝુ માન-સન્માન મળતું નથી, રાજ્યમાં તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હોવા છતાં પણ તેમની ઉપેક્ષા કરવામાં આવી. સીનિયર મુસ્લિમ નેતા હાજી જમીલુદ્દીને કહ્યું કે ભગવા પાર્ટીમાં વરૂણની સતત ઉપેક્ષા થઈ રહી છે, તેમણે કહ્યું કે ભાજપના સંખ્યાબંધ ટેકેદારોએ યુપી ચૂંટણી વખતે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે વરૂણ ગાંધીનું નામ વહેતુ મૂક્યું હતું. કોંગ્રેસના સીનયિર નેતા હાજી અહમદે કહ્યું કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં વરૂણને કોંગ્રેસ કાર્યકારી સમિતીમાં દાખલ કરી શકાય છે અથવા તો તેઓ કોંગ્રેસના પદાધિકારી બની શકે છે. આગરા શહેરના પૂર્વ કોંગ્રેસ નેતા એ યુપીસીસી સભ્ય રામ ટંડને કહ્યું કે વરૂણ સીધી રીતે તો રાહુલ ગાંધીનો સીધો સંપર્ક કર્યો નથી પરંતુ રાહુલની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી થતાં તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે વરૂણ ભાજપથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે કારણ ભાજપની કોઈ રેલી કે બેઠકમાં તેઓ હાજર રહ્યાં નથી. તે ઉપરાંત વરૂણ ગાંધી મોદી સરકારના આલોચક પણ રહ્યાં છે. જ્યારથી તેઓ ભાજપ સાસંદ તરીકે ચૂંટાયા છે ત્યારથી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં છે. આ આખી વાતમાં રાજકીય નિષ્ણાંતોનોું એવું માનવું છે કે વરૂણ ગાંધી કોંગ્રેસમા જોડાય તે જરા પણ સંભવિત નથી કારણ કે તેમની માતા મેનકા ગાંધી ચુસ્ત ભાજપી છે અને મોદી સરકારમા મંત્રી પણ છે. તદુપરાંત, સોનિયા અને મેનકા વચ્ચે પણ સારા સંબંધો નથી. મેનકા વરૂણને કોંગ્રેસમાં સામેલ થવાની કદી પણ મંજૂરી ન આપી શકે.