(એજન્સી) તા.૩૦
જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યામાં તેની સંડોવણીના દાવાઓ નકારતા લશ્કર-એ-તૈયબાએ શનિવારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસે શુજાત બુખારીની હત્યા વિશે જે દાવા કર્યા છે તે કોઈ બોલીવુડ થ્રીલરથી ઓછા નથી. લશ્કર-એ-તૈયબાના પ્રવકતાએ સંગઠનના વડા મહેમૂદ શાહને ટાંકીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી બે વાર્તાઓ જાહેર કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ નાટ્યાત્મક વાર્તા સર્જિકલ સ્ટ્રાઈક વિશે હતી. બીજી વાર્તા બોલીવુડ થ્રીલર કરતાં ઓછી નથી અને સન્માનિય પત્રકાર શુજાત બુખારીની હત્યા અંગેની આ વાર્તા જમ્મુ-કાશ્મીર પોલીસે જાહેર કરી હતી. તૈયબાના વડાએ ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત અને જમ્મુ-કાશ્મીરના આઈજીપી એસપી યાની પર પ્રહાર કરતાં કહ્યું હતું કે બન્નેએ બોલીવુડમાં કારકિર્દી બનાવવી જોઈએ ત્યાં તેઓની આવડતનો સંપૂર્ણ ઉપયોગ થશે કારણ કે તમે તમારી જાતને હાસ્યાસ્પદ બનાવી દીધી છે.