(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૬
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારની રચના થયાના એક મહિનામાં જ ગઠબંધન સરકારમાંની તિરાડ દેખાવા માંડી છે અને બંને પક્ષો વચ્ચેના મતભેદો બહાર આવવાની શરૂઆત થઇ ગઇ છે. ન્યૂઝ એક્સ પાસે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાનો એક ખાસ વીડિયો છે. આ વીડિયોમાં સિદ્ધરમૈયા એવું કહી રહ્યા છે કે મુખ્યપ્રધાન એચડી કુમાર સ્વામીના નેતૃત્વવાળી સરકાર પાંચ વર્ષ પુરા કરશે નહીં. રાજ્યની ૨૨૨ સભ્યોની વિધાનસભાની યોજાયેલી ચૂંટણીઓમાં સિદ્ધરમૈયાના નેતૃત્વવાળી સરકારને ૭૮ સીટ અને જેડીએસના ૩૭ સીટ પર વિજય હાંસલ થયો હતો જ્યારે ૧૦૪ સીટ જીતનાર ભાજપે સરકારની રચના કરી હતી પરંતુ ભાજપના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ વિશ્વાસના મત પહેલા રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી. સિદ્ધરમૈયાની ઓડિયો ટેપ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું કે ભાજપે આ ગઠબંધન સરકાર અંગે જે કહ્યું હતું તે, આ ટેપે પુરવાર કરી દીધું છે. ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસે અને જેડીએસનું ગઠબંધન અપવિત્ર છે અને સત્તાના લાભ શેર કરવાના ઉદ્દેશથી જ બંને પક્ષોએ ગઠબંધન કર્યું છે. જોકે, કોંગ્રેસ અને જેડીએસે વિધાનસભાની ચૂંટણીઓ અલગ લડી હતી.