(એજન્સી) બેંગલુરૂ, તા.૯
કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં વિધાનસભા ખાતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક યોજાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયાએ કર્ણાટકમાં વિપક્ષ સામે પ્રહાર કરીને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો વિપક્ષ પર આરોપ મુક્યો છે. સિદ્ધરમૈયાએ જણાવ્યું કે સરકારો અસ્થિર કરવાની ભાજપની ટેવ છે. આ બિનલોકતાંત્રિક છે. સરકાર બનાવવા માટે લોકોએ ભાજપને ચુકાદો આપ્યો નથી. લોકોએ ભાજપ કરતા વધુ મતો અમને આપ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસને બંનેને ૫૭ ટકાથી વધુ મત મળ્યા છે. સિદ્ધરમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ સામે પ્રહાર કરતા જણાવ્યું કે આ વખતે કર્ણાટકમાં વર્તમાન રાજકીય સંકટ સર્જવામાં માત્ર ભાજપનું રાજ્ય એકમ જ નહીં પરંતુ અમિતશાહ અને પીએમ નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ છે. તેમના નિર્દેશ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાબત લોકચુકાદા અને લોકશાહી વિરૂદ્ધની છે. તેઓ નાણા, હોદ્દા અને પ્રધાનપદની ઓફર કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે ભાજપ સાથે સાઠગાંઠ કરવા બદલ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની પણ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગે પણ રાજીનામું આપી દીધું છે અને હવે વધુ કાંઇ ગુમાવવાનું નહીં હોવાથી કર્ણાટક વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે તેના ધારાસભ્યોને હવે ધમકાવવાના પ્રયાસરૂપ કહી દીધું છે કે બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમણ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને પાછા આવીને પોતાના રાજીનામા પાછા લેવાની તેમને હાકલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે વિધાનસભાના સ્પીકરને પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. કોંગ્રેસે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા નહીં સ્વીકારવા અને તેમને ગેરલાયક ઠરાવવાની ગૃહના સ્પીકર સમક્ષ અરજી કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ બળવાખોર ધારાસભ્યો સામે કાનૂની કાર્યવાહી કરવાની કોંગ્રેસ સ્પીકરને વિનંતી કરશે. અમારા પત્રમાં અમે ગૃહના સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને માત્ર ગેરલાયક નહીં ઠરાવવા પરંતુ તેમના છ વર્ષ સુધી ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લાદવાની પણ વિનંતી કરીશું.