(એજન્સી) તા.૧૦
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રાજ્ય સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષને એક પત્ર પણ સોંપ્યો છે. સિદ્ધુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અહમદ પટેલની સાથે મુલાકાત કરેલી તસવીરને ટ્‌વીટ કરતાં લખ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર સોંપ્યો છે અને તેમણે સ્થિતિ અંગે જણાવ્યું છે. જો કે તેમણે એ ના કહ્યું કે પત્રમાં શું લખ્યું છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસથી નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે સંબંધ તણાવભર્યા છે. પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે તેમની ઝપ્પી અને પાક પીએમ ઇમરાનના વખાણ પર કેપ્ટન અમરિંદરે પોતાની અસમંતિ વ્યક્ત કરી છે. બંનેની વચ્ચે તણાવ સૌથી પહેલાં ત્યારે આવ્યો જ્યારે થોડાંક મહિના પહેલાં સિદ્ધએ કહ્યું હતું કે તેમનો કેપ્ટન માત્ર એક જ છે અને તે રાહુલ ગાંધી છે. સિદ્ધુના આ નિવેદન બાદ પંજાબ સરકારના કેટલાંક મંત્રીઓએ તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કરવા સુદ્ધાંની માંગણી કરી હતી. તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીની આશા પ્રમાણે પ્રદર્શન ન કરી શકતા બંનેની વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. કેપ્ટન રાજ્યના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના ‘ખરાબ પ્રદર્શન’ને લઇ સિદ્ધુથી નારાજ છે. બીજીબાજુ સિદ્ધુના બાગી તેવર યથાવત છે. ચૂંટણી પરિણામો બાદ પંજાબ કેબિનેટની પહેલી બેઠકમાં પણ તેઓ સામેલ થયા નહોતા. કેબિનેટ મીટિંગમાં સિદ્ધુ નહીં આવતા કેપ્ટને તેમને પહેલો ઝાટકો ત્યારે આપ્યો જ્યારે ગયા ગુરૂવારના રોજ તેમણે પોતાના મંત્રીપરિષદમાં ફેરફાર કર્યા. સિદ્ધુ પાસેથી મહત્વપૂર્ણ સ્થાનિક શાસન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય છીનવી લીધું અને તેમને વીજળી અને નવીન અને અક્ષય ઉર્જા વિભાગનો પ્રભાર સોંપ્યો. જો કે સિદ્ધુએ પોતાનો નવો પ્રભાર હજુ સુધી સંભાળ્યો નથી. એવી અટકળો પણ ચાલી રહી છે કે મનપસંદ મંત્રાલય છીનવાતા નારાજ સિદ્ધુ કેપ્ટન કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે. નવા મંત્રાલયનો હજુ સુધી ચાર્જ ના સંભાળવાના લીધે પણ આવી અટકળોને બળ મળ્યું છે. કેપ્ટને સિદ્ધુને બીજો ઝાટકો ત્યારે આપ્યો જ્યારે તેમણે પોતાની સરકારના કામકાજમાં તેજી લાવવા માટે ૮ સલાહકાર ગ્રૂપની રચના કરી પરંતુ સિધ્ધુને સામેલ કર્યા નહીં. આપને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીમાં પંજાબમાં સત્તાધારી કોંગ્રેસને ૧૩માંથી ૮ સીટો જ મળી હતી. ભાજપ-અકાલી ગઠબંધનને ૪ અને આમ આદમી પાર્ટીને એક સીટ પર જીત મળી હતી.