ભાજપથી છેડો ફાડ્યા પછી પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ કયા પક્ષમાં જોડાશે તેની ખાસ્સી અટકળો ચાલી. શરૂઆતમાં ‘આપ’ સાથે જશેની વાતો, ગતિવિધિ ચાલી,પણ પોતાની રાજકીય કારકિર્દીની સફર કયા જહાજની સફરમાં શરૂ કરવી એ માટે સિદ્ધુ ખૂબ સતર્ક હતો.‘આપનો ક્યાસ કાઢ્યા પછી એણે કોંગ્રેસ માટે મન બનાવી એના ટોચના નેતાઓ સાથે પરામર્શ કર્યો. એના તારણ પછી પોતાના પત્ની નવજોતકૌરને કોંગ્રેસ પ્રવેશ કરાવ્યો, એમની સાથે જ પૂર્વ હોકી ખેલાડી પરગટસિંહે કોંગ્રેસમાં એન્ટ્રી લીધી. આમ સિદ્ધુની પોતાની બે નજીકની વ્યક્તિના કોંગ્રેસ પ્રવેશથી એ તો ફલિત થઈ જ ગયું હતું કે, સિદ્ધુ આજે નહીં તો કાલે કોંગ્રેસનો ‘હાથ’ જરૂર પકડશે; ને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વાટાઘાટો દરમિયાન મનાવી લેતાં તેઓએ રવિવારે સાદગીપૂર્ણ રીતે રાહુલજીના હાથે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો. સિદ્ધુનો કોંગ્રેસ પ્રવેશ થતાં જ પંજાબના રાજકારણમાં એક નવા જ અધ્યાયનો ઉમેરો થઈ ગયો. પંજાબ કોંગ્રેસના પ્રમુખ એવા કેપ્ટન અમરિન્દરસિંહે એકલે હાથે અત્યારસુધી સત્તા પરની અકાલી-ભાજપની યુતિ સરકારને પડકાર આપતા હતા તેમાં તેમને સિદ્ધુ, પરગટસિંહ જેવી મજબૂત રાજકીય વ્યક્તિઓ મળતાં કોંગ્રેસની તાકાત જરૂર બેવડાશે. પંજાબના રાજકારણમાં આમેય અકાલી-ભાજપની યુતિની સરકારથી ત્યાંની પ્રજા ઉબાઈ ગઈ છે. ખાસ તો ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મની વાસ્તવિકતા જ્યાં પ્રજાને બરબાદ કરી રહી હોય તથા કાવેરી જળવિવાદમાં પંજાબ-હરિયાણાને પાણીનું ટીપુંય આપવા તૈયાર નથી ત્યારે હરિયાણાને પાણી આપવા આવેલ અદાલતનો ચૂકાદો સત્તા પરની સરકારની એન્ટી ઈન્કમ્બન્સીમાં વધારો કરે  એ સ્વભાવિક છે. એટલે આવા સંજોગોમાં આવેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટન અમરિન્દરસિંહ માટે નવા સાથીઓનો સાથ મળતાં સત્તાનું સિંહાસન મેળવવાનું સરળ બની શકે છે. કોંગ્રેસે હજી મુખ્યપ્રધાન પદ માટેનું નામ જાહેર કર્યું નથી. સામાન્ય રીતે તો કેપ્ટન અમરિન્દરસિંહ જ પ્રથમ પસંદગી હોય, પણ સિદ્ધુનું નામ મુખ્યમંત્રી  પદના દાવેદાર તરીકે જાહેર નહીં કરાય તો ડેપ્યુટી સીએમ પદ પણ આપવા માટેની કોંગ્રેસે તૈયારી કરી લીધી હોય એમ માનવાનું મજબૂત કારણ છે.

અકાલી દળમાં બાદલના પુત્ર સુખબિરસિંહ બાદલની પક્ષ પ્રમુખ તરીકે કામ કરવાની પદ્ધતિથી પક્ષમાં , પ્રજામાં સારી ઈમેજ નથી, ઊલટાનું બાદલે જે ઘરોબો પ્રજા સાથે કેળવેલો , તેને તેમના પુત્રના સ્વભાવને લઈને પક્ષની ઈમેજ કડડભૂસ થઈ ગઈ છે.‘આપ’ માટે પંજાબમાં શરૂના તબક્કે અહેવાલ સારા હતા, પણ એ પછી કોંગ્રેસ તરફી પવન ફૂંકાઈ રહ્યાના સર્વે આવ્યા, તેણે કોંગ્રેસીઓમાં પ્રાણ પૂરી દીધાં. એટલે પંજાબમાં વરસો પછી કોંગ્રેસની સરકાર પ્રસ્થાપિત કરીને દેશના રાજકારણમાં દાયકા પછી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ  રહ્યાના સ્પષ્ટ સંકેત અત્યારે મળી રહ્યા છે. કારણ પંજાબમાં યુતિ સરકારના વળતાં પાણી તો છે જ, પણ ભાજપની પોતાની કોઈ નક્કર ભૂમિ ત્યાં નથી. કોંગ્રેસ મોવડીઓ પોતે આ બાબત બરાબર જાણે છે  એટલે તેમણે પંજાબ જીતવા માટે સર્વે મોરચે જબરદસ્ત તૈયારી કરી લીધી છે. પંજાબની જેમ ગોવામાં પણ સત્તા કબજે કરવા માટે કોંગ્રેસ કયારની કટિબદ્ધ થઈ ગઈ છે.વળી યુપીમાં  અખિલેશ સાથે બેઠકોની વહેંચણી માટેની તૈયારી પૂરજોશથી શરૂ થઈ ગઈ છે. એ હિસાબે કોંગ્રેસ પંજાબ, ગોવા અને ઉત્તરપ્રદેશમાં  પોતાનો પગદંડો  જમાવીને ભાજપની કોંગ્રેસમુક્ત ભારતની કેમ્પેઈનનો છેદ ઉડાડવા મક્કમ થઈ ગઈ છે.એમાં એને સિદ્ધુ જેવો તાર્કિક દલીલોથી સભાઓ ગજવનાર નેતાનો સાથ મળી ગયો છે.સિદ્ધુ  રાજકારણની નવી ઇનિંગ કોંગ્રેસના બેનર નીચે શરૂ કરવા કટિબદ્ધ થયો છે.  તેણે કોંગ્રેસમાં દાખલ થતાં જ કહ્યું કે, હું મૂળ કોંગ્રેસી જીવ, અને મા કૌશલ્યાનો પ્રેમ મળતાં પધાર્યો છું.તેનો અર્થ એવો કે, એણે ખૂબ અભ્યાસ કરી, કરાવીને રસપ્રદ તારણ મેળવ્યુંં હોય તો જ કોંગ્રેસમાં જોડાય એમ માની શકાય. જો તેમાં સફળતા મળશે તો સિદ્ધુ નહીં માંગે તે પદ પણ કોંગ્રેસ તેના ચરણે ધરી દેશે એ નક્કી.