ભાવનગર,તા.પ
ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રહેતી એક સગીરાને કોઈ બાબતે કુટુંબીજનોએ ઠપકો આપતા તે રિસાઈને તેના ફઈના ઘરે રંધોળા ગામે જવા નીકળી હતી. સગીરા રંધોળા ગામના બસ સ્ટેન્ડ ઉપર મોડી સાંજના સુમારે ઉતરીને તેના ફઈના ઘરે પગપાળા જતી હતી. તે વેળાએ કુંબલીયાપરા નજીકના વિસ્તારમાં એક સગીર સહિતના ચાર નરાધમ શખ્સો દેવીપૂજક ભરતબાપુ, ભરત જીણા, સુરેશ અને એક સગીરે એક સંપ કરી સગીરાને રસ્તા વચ્ચે આંતરી બળજબરીથી બાવળની કાટમાં લઈ જઈ વારાફરતી તમામ નરાધમ શખ્સોએ સગીરા ઉપર તેની ઈચ્છા વિરુધ્ધ દુષ્કર્મ આચરી તમામ આરોપીઓ નાસી છુટયા હતા. સગીરાએ લોહીલુહાણ હાલતે તેના ફઈના ઘરે જઈ તમામ બાબતો જણાવી હતી. સગીરાના વાલીએ ઉમરાળા પોલીસમાં સગીર સહિત ઉકત ચાર નરાધમ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતના ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભરત બાબુ, ભરત જીણા અને સુરેશ નારણને ઝડપી લીધા હતા. અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.