(એજન્સી) ચંદીગઢ, તા.રપ
જિલ્લા અને સેશન્સ કોર્ટમાંથી એવી ઘટના બની કે જજ પણ અવાક થઈ ગયા. ગઈકાલે જ્યારે કોર્ટની કામગીરી શરૂ થઈ ત્યારે પંજાબ હરિયાણા હાઈકોર્ટના એક વકીલે ૧ રૂપિયો અને ર રૂપિયાના સિક્કાઓથી ભરેલ થેલો જેમાં રપ હજાર રૂપિયા હતા એ કોર્ટ સમક્ષ મૂકયા. આ મામલો એક છૂટાછેડાનો હતો. હાઈકોર્ટે વકીલને પત્નીને રપ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ કર્યો હતો જેના પગલે એ સિક્કાઓ લઈ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. કોર્ટે કહ્યું કે, આ સિક્કાઓના બદલે ચલણી નોટો રજૂ કરે. વકીલે આ બાબત અસમર્થતા દર્શાવી વકીલની પત્નીને કોર્ટને કહ્યું કે, એ આ રીતે મારું અપમાન કરી રહ્યો છે સાથે સાથે કોર્ટનું પણ અપમાન કરી રહ્યો છે. કોર્ટે કહ્યું કે, સિક્કાઓ ગણવાનો અમારી પાસે સમય નથી. એ માટે ર૭મી જુલાઈની તારીખ નિર્ધારિત કરી. વકીલે કહ્યું હું પહેલાં પણ ભરણપોષણ પેટે પત્નીને પૈસા આપી ચૂકયો છું. હાલમાં મારી પાસે પૈસા ન હતા જેથી જે રીતે મને થયા હું લાવ્યો છું. આ સિક્કાઓ હું ધાર્મિક સંસ્થાની પાસેથી ઉછીના લાવ્યો છું જ્યાં હું સેવા કરું છું. એમણે વધુમાં કહ્યું આવો કોઈ નિયમ નથી કે ભરણપોષણ કયા સ્વરૂપે આપવું અને રપ હજાર આપવાના છે જેથી મારી પાસે જેમ હતા તેમ હું લાવ્યો છું.