(એજન્સી) મધ્યપ્રદેશ, તા.ર૪
મધ્યપ્રદેશની ભોપાલ સેન્ટ્રલ જેલમાં બંધ ૩૧ વિચારાધીન કેદીઓ પર પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયાના (સિમી) સભ્ય હોવાનો આરોપ છે. મધ્યપ્રદેશ પોલીસ હજી સુધી તેમના પર સિમીના સભ્ય હોવાનો દોષ સાબિત કરી શકી નથી. બીજી તરફ અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીની પ્રક્રિયા એટલી સુસ્ત છે કે આ ગુનેગારોના વકીલ પણ તેમને આરોપોમાંથી મુક્ત કરાવી શક્યા નથી. આ વિચારાધીન કેદીઓનો કેસ લડી રહેલા મોટાભાગના વકીલો દબાણમાં છે.
સરકારની એજન્સીઓ અને સ્થાનિક મીડિયા તેમને સ્વતંત્ર થઈને કામ કરવાથી રોકે છે. સ્થાનિક મીડિયાના એક પક્ષીય રિપોર્ટિંગની અસર અદાલતની કાર્યવાહી પર પણ પડે છે. દબાણ એ પ્રકારનું છે કે હવે વકીલોની મુલાકાત પોતાના ક્લાયન્ટ્‌સ સાથે પણ થઈ શકતી નથી. વકીલ પરવેજ આલમ અનુસાર, તેમણે સાડા ત્રણ વર્ષ પહેલાં જ્યારે અદાલતમાં તેમના ક્લાયન્ટ્‌સને રજૂ કરવામાં આવ્યા તે દરમિયાન તેમની સાથે મુલાકાત કરી હતી. જીનત અનવર કે જેઓ ૧પ આરોપીઓનો કેસ સંભાળી રહ્યા છે તે આજ સુધી પોતાના ક્લાયન્ટ્‌સને મળી શકી નથી. આ વકીલોએ જણાવ્યું છે કે જ્યારે અમે અમારા ક્લાયન્ટ્‌સને મળી જ નથી શક્તા તો ડિફેન્સ તૈયાર કેવી રીતે કરીએ? વકીલોની સામે આ સમસ્યા સાડા ત્રણ વર્ષ પહેલાંથી શરૂ થઈ છે.
અદાલતમાં રજૂ કરાયા બાદ પાછા ફરતી વખતે કેટલાક કેદીઓએ ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે મધ્યપ્રદેશ પોલીસે તેમના પર આઈપીસીની ત્રણ કલમો અને યુએપીએના સેક્શન ૧૦ હેઠળ એક નવો કેસ દાખલ કરી લીધો છે. ર૯ જૂન, ર૦૧૭ના રોજ અદાલતે આ કેસમાં ચુકાદો આપતાં કેદીઓને ભડકાઉ સૂત્રોચ્ચાર માટે દોષિત ઠેરવ્યા અને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી. પરંતુ અદાલતે આ આરોપીઓને યુએપીએના સેક્શનમાંથી મુક્ત કરી દીધા.
વકીલ પરવેજ આલમ જણાવે છે કે જો તેમને યુએપીએ હેઠળ દોષિત માની લેવામાં આવે તો તેઓ સિમીના સભ્ય એટલે કે આતંકવાદી સાબિત થઈ જાત. મધ્યપ્રદેશ પોલીસ તેમને સીમીના આતંકવાદી સાબિત કરવાની એક અન્ય તક પણ ચૂકી ગઈ.
આ કાંડ બાદ, આ વિચારાધીન કેદીઓને અદાલતમાં રજૂ કરવાની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ અને સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થવા લાગી અને વકીલોનું તેમના કલાયન્ટ્‌સ સાથે મળવાનું પણ બંધ થઈ ગયું.