(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૧
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. પાલિકા કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી પણ આપવામાં આવી છે.
સહારા દરવાજા ખાતે આવેલી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરત પાલિકા કર્મચારી યુનિયન દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા તાલીમાર્થી ક્લાર્કોની ભરતી કરવામાં આવી હતી. તેમણે ત્રણ વર્ષ તાલીમાર્થી તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી હંગામી ક્લાર્કો તરીકે સમાવેશ કરવાનો હોય નિયમાનુસાર સેવાપોથી ભરવાની થાય અને તે માટે મેડિકલ ટેસ્ટ અનિવાર્ય હોય છે. હાલમાં આવા કર્મચારીઓના મેડિકલ ટેસ્ટ સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ તરફથી પાલિકા યુનિયનને ઘણી ફરિયાદો મળી છે. સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓને એક સાથે સામૂહિક તપાસ માટે રજૂ કરવામાં આવે છે અને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરી ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. મહિલા કર્મચારીઓને પ્રેગનન્સી અને પિરિયડ બાબતના અંગત સવાલો કરવામાં આવ્યા હતા. વન બાય વન તપાસ કરવી જરૂરી છે. સામૂહિક રીતે તપાસ કરવી ગેરકાનૂની જ નહીં પરંતુ માનવતા વિરુદ્ધની અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની પણ છે. જે પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા અપીલ છે. સુરત પાલિકા કર્મચારી યુનિયનના મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી પણ આપવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલમાં સુરત યૂથ કોંગ્રેસના ઉગ્ર દેખાવો

“સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ સાથે ફિઝિકલ ફિટનેસના નામે થયેલો અત્યાચાર”ને સુરત સિટી યૂથ કોંગ્રેસે ગંભીર બાબત ગણાવી પગલા લેવાની માંગ કરી છે.
સુરત યૂથ કોંગ્રેસના પ્રમુખ જયેશ દેસાઈએ જણાવ્યું છે કે, આ બાબત ખૂબ જ ગંભીર અને નિંદનીય છે. કચ્છમાં ઘટના બનીને તેના થોડા જ દિવસો બાદ સુરત મેડિકલ કોલેજ (સ્મીમેર હોસ્પિટલ)ની અંદર આ ઘટના બની છે. આમ છતાં ભાજપના શાસકોના પેટનું પાણી હલતું નથી. આ બાબતની તપાસ તાત્કાલિક થવી જોઈએ. પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને રજૂઆત કરતાં ભાજપ શાસકોના દબાણમાં ૧પ દિવસની અંદર તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે બાબત ખૂબ જ દુઃખનીય છે. મહાનગરપાલિકાના કમિશનર અને ભાજપ શાસકો આ વાતને દબાવી દેવા માંગતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
ઉપરોક્ત બાબતે આજરોજ સુરત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પીડિત મહિલા કર્મચારીઓના ન્યાય માટે સ્મીમેર હોસ્પિટલ ઉપર “મહિલાઓ કે સન્માન મેેં, યૂથ કોંગ્રેસ મેદાન મેં” સૂત્ર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા અને જો ત્રણ દિવસની અંદર ગંભીર બાબતે રાજકીય દબાણમાં તાકીદે તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ બાદ મુગલીસરા ખાતે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુ. કમિશનરની ઓફિસની અંદર જઈ “ધરણાં” કરી ઉગ્ર દેખાવો કરશે. જેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર અને ભાજપ શાસકોની રહેશે.