મેલબર્ન, તા.૨૦
ઓસ્ટ્રેલિયન અમ્પાયર સાયમન ટોફેલે કહ્યું કે, ટેક્નોલોજીના કારણે ક્રિકેટમાં અમ્પાયરિંગ પડકારજનક થઇ ગયું છે. ટોફેલે મંગળવારે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેણે કહ્યું કે, મેદાન પર ૩૦ કેમેરા હોય છે અને નાનકડી ભૂલ પણ પકડાય જાય છે.
૪૮ વર્ષીય ટોફેલ અનુસાર, “આજે રિવ્યુ સિસ્ટમ આવી ગઈ છે અને ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયને ચેલેન્જ કરે છે. રિપ્લેમાં બધું દેખાય છે. બોલ બેટને અડ્યો છે કે નહીં તે સ્લો મોશનમાં જાણવું બહુ સરળ છે. ઓડિયો સેન્સર દ્વારા અવાજ પણ સાંભળી શકાય છે.
ટોફેલે કહ્યું કે, સમય બદલાઈ ગયો છે. મેદાન પર ૩૦ કેમેરા, બોલ ટ્રેકર, સ્નિકો મીટર, હોટ સ્પોટ અને કોમેન્ટ્રી બોક્સમાં ત્રણ કોમેન્ટેટર્સ હોય છે. ક્યારેક તમારો નિર્ણય ૧૦૦ ટકા સાચો હોતો નથી.
તેણે કહ્યું કે, આ જીવનનો એક ભાગ છે. રોજર ફેડરર પણ મેચ હારે છે. ટાઇગર વુડથી પણ ભૂલ થાય છે. આ બધું ચાલ્યા કરે છે, પરંતુ ભૂલોથી શીખવું જરૂરી છે. ટોફેલે પહેલીવાર ટેસ્ટમાં અમ્પાયરિંગ કરી ત્યારે તેમની ઉંમર ૨૯ વર્ષની હતી.