(એજન્સી) તા.ર૯
સિનાઈ ખાતે આવેલી સૂફી મસ્જિદ પર હુમલો કરી લગભગ ૩૦૦થી વધુ નાગરિકોનાં જીવ લેનાર આતંકીઓના સહયોગીઓને નિશાને લઈને ઈજિપ્તની સેનાએ લગભગ ૧૪ જેટલા આતંકીઓને ઠાર માર્યા છે. જો કે આ ૧૪ આતંકીઓ બે સ્વતંત્ર અભિયાન હેઠળ ઠાર મરાયા હતા. ઈજિપ્તના આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, સિનાઈના સરહદી વિસ્તાર ઈસ્માઈલિયા ખાતે કેટલાક આતંકી તત્વો છુપાયેલા હોવાની અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિએ અંજામ આપતા હોવાની માહિતી મળી હતી જેના પગલે ઈજિપ્તની સેનાએ તાત્કાલિક ધોરણે પગલાં ભરી ૧૧ જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં આતંકીઓ તેમના લડાકુઓને પ્રશિક્ષણ આપી રહ્યા હતા અને તેમના શસ્ત્રો, વિસ્ફોટકોનો સંગ્રહ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ વસ્તુઓ દ્વારા ઉત્તરીય સિનાઈમાં હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે ઈજિપ્તના સુરક્ષા દળોએ અન્ય એક અભિયાનમાં છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે અને ત્રણ વ્યક્તિની તેમને કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ વેચતા ધરપકડ કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, આ અભિયાન દરમિયાન અનેક પ્રકારના કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ, શસ્ત્રો, વિસ્ફોટકો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ કયા સંગઠનો સાથે જોડાયેલા તે તપાસવા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે, આ આતંકીઓ ઈજિપ્તમાં આવેલા મહત્ત્વના સ્થળો જેવા કે ચર્ચ, ધાર્મિક સ્થળોને નિશાને લેવાની તૈયારીમાં હતા. કર્નલ તામેલ અલ-રિફાઈલ જે સૈન્ય પ્રવક્તા છે તેમણે કહ્યું કેપ કેન્દ્રીય સિનાઈમાં પણ ત્રણ શંકાસ્પદ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે તેમણે વધારે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, શુક્રવારના રોજ કરાયેલા ઘાતક આતંકી હુમલામાં લગભગ ઈજિપ્તના ઈતિહાસમાં સૌથી ભયાનક નરસંહાર કરાયો હતો અને ર૭ બાળકો સહિત લગભગ ૧ર૮ જેટલા લોકો આ હુમલામાં ઘવાયા પણ હતા.