નવી દિલ્હી, તા.રર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ બી.એફ. ડબલ્યુ મહિલા સિંગલ્સ વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટોચના સ્થાને ચીનની તાઈ ઝૂ ચિંગ છે. તાજેતરમાં કોરિયા ઓપનનું ટાઈટલ જીતનાર સિંધુ કારકિર્દીમાં બીજીવાર બીજા ક્રમે પહોંચે છે. લંડન ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા સાયના નેહવાલ રેન્કિંગમાં ૧રમાં સ્થાને છે. હાલની ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા સ્પેનની કેરોલીન મરીન પણ પાંચમાં સ્થાને યથાવત છે. જ્યારે વિશ્વ ચેમ્પિયન જાપાનની ઓકુહારા એક સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. અજય જયરામ પણ રેન્કિંગમાં ત્રણ સ્થાનના નુકસાન સાથે ર૦માં સ્થાને પહોંચી ગયો છે. ઓલિમ્પિકમાં રજત ચંદ્રક પોતાના નામે કરનારી સિંધુ આ વર્ષ ૬ એપ્રિલે પણ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી હતી.