અમદાવાદ, તા.૨
ગાંધીનગર, રાંદેસણ પાસે ધોળેશ્વર મહાદેવ પાસે આવેલા ગાયત્રી રેસીડેન્સી ખાતે રહેતા એક યુવકને સીંગાપુર મોકલવાનું કહી તેની પાસેથી તબક્કાવાર રૂ.૧.૩૨ કરોડ જેટલી માતબર રકમ ઠગી લઇ ત્રણ ગઠિયાઓએ તેને ચુનો લગાવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આરોપીઓ દ્વારા પૈસા પાછા નહી અપાતાં કે તેને સીંગાપુર નહી મોકલાતાં આખરે કંટાળીને યુવકે આરોપીઓ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર, રાંદેસણ પાસે ધોળેશ્વર મહાદેવ પાસે આવેલા ગાયત્રી રેસીડેન્સી ખાતે રહેતા યોગીનભાઇ શૈલેષભાઇ પટેલને શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં નિર્ણયનગરના નાકે વાસુકાનંદ ફલેટ ખાતે છઠ્ઠા માળે રહેતા આરોપીઓ હર્ષ હરેશભાઇ પટેલ અને હરેશભાઇ પટેલ દ્વારા સીંગાપુર મોકલવાની વાતોમાં ભોળવ્યા હતા અને તેમની પાસેથી ટુકડે ટુકડે માતબર રકમ ખંખેરી હતી. આરોપીઓએ નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ ખાતે આવેલ પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇ આંગડિયા પેઢીની ઓફિસમાં યોગીનભાઇને વિશ્વાસમાં લઇ તેમના મિત્ર મીતુલભાઇ શાહના રૂ.૧.૩૨ કરોડ સીંગાપુર મોકલવા પેટે આપ્યા હતા પરંતુ આરોપીઓ દ્વારા ન તો તેમને સીંગાપુર મોકલાયા કે ન તો પૈસા હજુ સુધી પાછા અપાયા. જેથી યોગીનભાઇ પટેલે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.