સિંગાપુર,તા.૨૧
હેકર્સે સિંગાપુરના વડાપ્રધાન લી સેન લૂંગ સહિત લગભગ ૨૫% વસ્તી એટલે કે ૧૫ લાખ લોકોના ખાનગી ડેટા ચોર્યા છે. સરકાર તરફથી જાહેર કરાયેલાં નિવેદન મુજબ, હેકર્સે આ ડેટા સરકારી સ્વાસ્થ્ય વિભાગના ડેટાબેસ પર હુમલો કરીને પ્રાપ્ત કર્યાં છે. હેકર્સની પાસે ૧લી મે, ૨૦૧૫થી ૪ જુલાઈ, ૨૦૧૮ વચ્ચે ક્લીનિક ગયેલાં લોકોના ડેટા છે. જેમાં લોકોના નામ, એડ્રેસ, તંદુરસ્તી અને ઈલાજ સાથે જોડાયેલી જાણકારીઓ છે. જો કે સરકારનો દાવો છે કે હેકર્સે કોઈના ડેટામાં કંઈ બદલાવ નથી કર્યો. કે કોઈ ડેટા ડિલીટ કર્યાં નથી. આ ઉપરાંત ડેટાબેઝમાં રહેલા તપાસ રિપોર્ટને પણ હેક કર્યાં નથી. તપાસમાં સામે આવ્યું છે કે લોકોને મેડિકલ સુવિધાઓ આપનારી સરકાર એક મુખ્ય સંસ્થાન સિંગહેલ્થના કોમ્પ્યુટર્સમાં વાયરસ મોકલ્યાં હતા. જે બાદ હેકર્સ માટે ડેટા સુધી પહોંચવાનું સહેલું થઈ ગયું હતું. આ સાઈબર હુમલો ૨૭ જૂનથી ૪ જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો. તેઓએ વડાપ્રધાન લી સેન લૂંગના પણ અંગત ડેટા ચોર્યા હતા, જેમાં તેમની દવાઓની જાણકારી પણ છે. લી સેન બે વખત કેન્સરનો ઈલાજ કરાવી ચુક્યાં છે. સિંગાપુરની ન્યૂઝ વેબસાઈટ સ્ટ્રેટ ટાઈમ્સના જણાવ્યા મુજબ હાલ સિંગહેલ્થે પોતાના કર્મચારીઓને ૨૮ હજાર કોમ્પ્યુટરો પર કામ કરવાથી રોકી દીધાં છે.