(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત ગુજરાતના સાસણગીર જંગલના સિંહોના એક પછી એક ટપોટપ રપ જેટલા સિંહોના મોતને પગલે ગુજરાત જ નહીં દેશભરમાં ચકચાર જગાવવા સાથે પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી જારી છે ત્યારે સુપ્રીમ કોર્ટે સિંહોના મોતને અત્યંત ગંભીર બાબત ગણાવી તેઓના મોતના કારણો શોધવાના આદેશો જારી કરતા ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. હાલમાં સીડીવી વાઈરસ સિંહોમાં દેખાયો હોઈ ૬૦૦ સિંહોનું અત્યારસુધીમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને નિષ્ણાતોની ટીમ દ્વારા હાલ તપાસ જારી હોય તેમના અહેવાલની રાહ જોવાઈ રહ્યાનું સરકાર તરફથી જણાવાયું છે. આ સાથે સરકાર દ્વારા જોખમી મનાતા ત્રણ સહિત કુલ ૩૩ સિંહોનું અમેરિકાથી ખાસ મંગાવેલ વેકસીન દ્વારા વેકસીનેશન (રસીકરણ) કરવાની અને ગીર ફોરેસ્ટમાં હવે નવું શેત્રુંજય ડિવિઝન ઊભું કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ નવા ડિવિઝનમાં તાલીમ પામેલ ડોક્ટરો સહિતની અપગ્રેડ કરેલ રેસ્ક્યુ સેન્ટર પણ હશે. ડીએફઓ આરએફઓ સહિતનો સ્ટાફ પણ મૂકાશે. સરકારના વન મંત્રી ગણપત વસાવાએ આજે પત્રકારોને સિંહોના મોતના બનાવો અંગે ઉઠેલા વિવિધ પ્રશ્નો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાવને પગલે સિંહોના બ્લડ સેમ્પલ સહિત અન્ય સેમ્પલો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહોને સૌપ્રથમ બે ગ્રુપમાં વહેંચી લેવામાં આવ્યા હતા. સૌથી વધુ ઈફેક્ટેડ સિંહોને જસાધારમાં (ર૬ સિંહો) અને બાકીના ૩૩ સિંહોને જામવાલા એનિમલ કેર ખાતે રાખવામાં આવ્યા હતા. જસાધારના ર૬ પૈકી ર૩ના મોત થયા છે અને હવે માત્ર ત્રણ સિંહ બચેલ છે તેની સારવાર-દેખરેખ ચાલી રહી છે. આ કુલ ૩૬ સિંહોના સેમ્પલ વગેરેની તપાસ ચાલુ છે. આવતીકાલે બપોર સુધીમાં અમેરિકાથી વેક્સીન આવી જતા તેઓને આ રસી અપાશે. અમરેલી જિલ્લાના દલખાણીયા રેંજમા સિંહોના થઈ રહેલા મોતનું સાચું કારણ જાણવા દિલ્હી અને રાજસ્થાનના નિષ્ણાંત સરકારી અધિકારીઓ (દિલ્હી ઝૂના નિષ્ણાંતો પણ સામેલ) ગુજરાત દોડી આવ્યા છે. આ સાથે ઉત્તરપ્રદેશના ઈટાવા લાયન શરાફીના મળી કુલ ૧૦ જણાની ટીમ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે જે વાયરસને કારણે સિંહોના મોત થઈ રહ્યા છે તે કૂતરા, શિયાળ, વરૂ, બિલાડી જેવા પ્રાણીઓના શિકારને કારણે સિંહોને લાગુ પડ્યો છે તેમ જણાવતાં વનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વાયરસની અસર જંગલના અન્ય સિંહોને થાય નહીં તે માટે બિમાર સિંહને અન્ય સિંહથી દૂર કરી દેવામાં આવ્યા છે. વર્ષો પહેલા ૧૯૯૪માં આ વાયરસની અસર આફ્રિકાના જંગલોમાં જોવા મળી હતી. ગુજરાતના જંગલમાં પ્રથમવાર આ વાયરસની અસર રહી છે. આ ઘટના પછી ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે હવે દર ત્રણ મહિને સિંહોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે રેસ્ક્યુ સેન્ટરમાં જે સિંહને લાવવામાં આવ્યા છે તેમના બ્લડ સેમ્પલ કિડની અને લીવરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ દ્વારા વર્ષોથી આ જ કારણસર સિંહોની માગણી કરવામાં આવી રહી છે. જેના કારણે સિંહોને સામૂહિક રોગ લાગુ પડે ત્યારે હવે આ સિંહોની ટ્રાન્સફર કરાશે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં વસાવાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશને સિંહ આપવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વધી રહ્યો છે અને ગુજરાતના સિંહ તે પ્રદેશના હવામાન અને ભૌગોલિક સ્થિતિ વગેરેનો અભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે તેના અહેવાલ આવી ગયા પછી તેને આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં વાઘના શિકારની ઘટનાઓ પણ બની રહી છે તેઓ સૂચક ઈશારો પણ મંત્રીએ કર્યો હતો.