(એજન્સી) તા.પ
૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફરાર આરોપી અહમદ ખાલીદ કમાલ શેખની ધરપકડના થોડા દિવસો પછી સીબીઆઈએ દાવો કર્યો હતો કે તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું. ૩૧ મેના રોજ અહમદાબાદ એટીએસ દ્વારા શેખની વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સોમવારે શેખને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ શેખે કહ્યું કે, બ્લાસ્ટમાં તેની ભૂમિકા વિશે તેણે કશું જ કહ્યું નથી. તેણે કહ્યું હતું કે મેં બ્લાસ્ટ વિશે કશું સ્વીકાર કર્યું નથી. મારે બ્લાસ્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યારે સીબીઆઈએ શેખનું કબૂલાતનામું બંધ કવરમાં કોર્ટને સોંપ્યું હતું. વકીલ ફરહાના શાહે કોર્ટમાં એક અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, શેખ સીબીઆઈ સમક્ષ આપેલું નિવેદન પાછું ખેંચે છે. સીબીઆઈના વકીલ દીપક આલ્વીએ ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સીબીઆઈની રિમાન્ડ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે શેખે ૧૯૯૩માં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીના શરૂઆતમાં દુબઈમાં યોજાયેલી મિટિંગમાં હાજરી આપી હતી. જેનું નેતૃત્વ મુખ્ય ફરાર આરોપી દાઉદ ઈબ્રાહીમે કર્યું હતું.