(એજન્સી) લખનઉ, તા. ૧
ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબના આશ્ચર્યચકિત કરનારા નિવેદનો બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નાયબ ડો.દિનેશ શર્માએ પણ એક ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. દિનેશ શર્માએ ભગવાન રામનાં પત્ની સીતા ટેસ્ટ-ટ્યુબ બેબીનાં ઉદાહરણ છે. ડો.દિનેશ શર્માએ મોડર્ન સાયન્સને પ્રાચીન ભારતની ભેટ અંગે પોતાના કટ્ટરવાદી મંતવ્યો શેર કર્યા છે. ડો.દિનેશની આ ટિપ્પણી અંગે ઘણા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ડો.દિનેશ શર્માએ જણાવ્યું કે એવું કહેવામાં આવે છે કે સીતા માતાનો જન્મ જમીનમાં કોઇ ઘડાની અંદર થયો હતો. સીતા માતાના પિતા રાજા જનકે જમીન ખેડતા માટીના ઘડામાંથી બેબી બહાર આવી હતી અને આ બેબી સીતા માતા હતા. તેનો અર્થ સ્પષ્ટ છે કે રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યુબ બેબીનો કોન્સેપ્ટ હતો. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે આજે લાઇવ ટેલિકાસ્ટ થાય છે પરંતુ લાગે છે કે આ જ પ્રકારની ટેકનિક મહાભારતકાળમાં પણ હતી. મહાભારતના યુદ્ધનું જીવંત પ્રસારણ સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું હતું. એક વીડિયોમાં ડો.દિનેશને એમ કહેતા બતાવવામાં આવતા સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઇ રહ્યો છે. તેઓ એવું પણ માને છે કે ગૂગલ આજે શરૂ થયું છે પરંતુ લાંબા સમય પહેલા પ્રાચીન ભારતમાં આપણા ગૂગલની શરૂઆત થઇ ગઇ હતી. ‘નારદ મુનિ’ માહિતીના પ્રતીક હતા. તેઓ ગમે ત્યાં પહોંચી જતા હતા અને ત્રણ વાર ‘નારાયણ’ કહીને એક સ્થળેથી બીજા સ્થળે સંદેશ ટ્રાન્સફર કરી દેતા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાને એવું પણ કહ્યું કે વ્યક્તિએ પોતાનો ગૌરવશાળી ઇતિહાસ યાદ રાખવો જોઇએ.