(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સી.પી.એમ.ના મહાસચિવ સીતારામ યેચુરીએ ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર બુલંદ શહેરમાં થયેલ ભીડ દ્વારા હિંસામાં દોષીઓનો બચાવ કરવાનો અને નિર્દોષોને પકડવાનો આરોપ મૂક્યો છે.
યેચુરીને ગુરૂવારે બંધારણ નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથી અને બાબરી મસ્જિદ શહીદીની તિથીના ઉપક્રમે આયોજિત બંધારણ અને ધર્મનિરપેક્ષતા સંરક્ષણ રેલીને સંબોધીત કરતા કહ્યું કે ભાજપે સાંપ્રદાયિક ધ્રુવીકરણને વેગ આપતાં પોતાની સૌથી ગંદી રાજકીય વોટબેન્ક રમત રમી રહી છે. જેથી હિન્દુત્વ વોટબેન્કને મજબૂત કરી ચૂંટણીમાં ફાયદો મેળવી શકાય. યેચુરીને બુલંદશહેર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમામ ખાનગી સેનાઓ બહાર ઊભરી આવી છે. જેના માધ્યમથી લોકો પર હુમલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું ઉત્તરપ્રદેશમાં સરકાર પોતે પોતાના પોલીસ અધિકારીઓને નથી બચાવી શકતી. હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે પુરાવા વિના નિર્દોષની ધરપકડ કરવામાં આવી રહી છે.
સી.પી.એમ. નેતાએ ભાજપ અને આર.એસ.એસ. પર રાજનૈતિક સ્વાર્થ માટે લોકોને વિભાજિત કરવાનો આરોપ મૂકતા કહ્યું કે સમગ્ર દેશમાં ગાયના નામે મુસ્લિમો અને દલિતો પર હુમલા થઈ રહ્યા છે. ક્યાંક કેવી રીતે કપડા પહેરવા, કેવું ભોજન કરવું, કેવા લોકો સાથે મિત્રતા કરવી એ અંગે સૂચનો કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યોથી તે લોકોને વિભાજિત કરવા ઈચ્છે છે.
યેચુરીએ ભાજપ પર નાગરિકોના બંધારણીય મૂળભૂત અધિકારોને શંકામાં મૂકવાનો આરોપ મૂકતા દેશ વિરોધી તાકતોના આ ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવવા આહવાન કર્યું હતું.