પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
પ્રસ્તુત પ્રથમ તસવીરમાં ખુરશીમાંથી બનાવેલા કાવડમાં એક મહિલા બેઠેલી જોવા મળી રહી છે. સરહદ પાર કર્યા બાદ તે ચાલવામાં અસમર્થ હોવાથી બે યુવકો આ કાવડને ખભે ઊંચકીને લઈ જતાં નજરે પડે છે. આવા મજબૂર, નિરાધાર અને દુઃખી લોકોને કેટલાક તત્ત્વો આતંકવાદીઓ કહે છે ત્યારે શું માનવતાનું માથું શરમથી ઝૂકી જતું નહીં હોય.
બીજી તસવીરમાં બાંગ્લાદેશ સરહદના રક્ષકો દ્વારા બાંગ્લાદેશ મ્યાનમાર સરહદને ગેરકાયદેસર રીતે પાર કરીને આવેલા રોહિંગ્યા શરણાર્થીઓને રોકી રાખવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેઓ વરસાદમાં બેહાલ બની ગયા હતા.