ના હો નાઉમ્મીદ, નાઉમ્મીદી ઝવાલ-એ-ઈલ્મ-ઓ-ઈરફાન હૈ
ઉમ્મીદ-એ-મર્દ-એ-મોમીન હૈ ખુદા કે રાઝદારોં મેં
-અલ્લામા ઈકબાલ

પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
પ્રથમ તસવીરમાં બાંગ્લાદેશના તેકનાફમાં બાંગ્લાદેશ – મ્યાનમારની સરહદને બંગાળની ખાડીમાંથી મહા-મુસીબતે હોડી દ્વારા પાર કર્યા બાદ રોહિંગ્યા શરણાર્થી મહિલા રડતી જોવા મળી રહી છે. તેના આંસુઓ સાથેની તસવીર રોહિંગ્યાઓની પીડાને વ્યક્ત કરવા માટે પૂરતી છે.
પ્રસ્તુત બીજી તસવીરમાં એક મહિલા પોતાના વ્હાલસોયા બાળક સાથે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદને બંગાળની ખાડીમાંથી હોડી મારફતે પાર કર્યા બાદ રડી રહી હોવાનું દૃશ્યમાન થઈ રહ્યું છે.