ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અરજી પર સુપ્રીમે જણાવ્યું હતું કે, બાબરી-રામ જન્મભૂમિ વિવાદને કોર્ટ બહાર સંમતિ અને વાતચીત દ્વારા ઉકેલી શકાય. મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચે જણાવ્યું હતું કે, રામ મંદિર ભાવના અને ધાર્મિક મુદ્દો છે. ખંડપીઠમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ પણ સામેલ હતા.

સુપ્રીમે શું કહ્યું : સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબરી મસ્જિદની વિવાદિત જમીન અંગે પહેલીવાર મહત્વની ટીપ્પણી કરતા જણાવ્યંું છે કે, આ એક સંવેદનશીલ અને ધાર્મિક મુદ્દો છે તેથી આ મામલે બંને પક્ષોએ એકમેકની સંમતિથી ઉકેલ લાવવાના પ્રયાસ કરવા જોઇએ. જો મધ્યસ્થીની જરૂર હોય તો હું પણ છું. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા ૨૦૧૦માં વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વહેંચી દેવાનો ચુકાદો આપતા તેના વિરોધમાં સુપ્રીમમાં અરજીઓ દાખલ થઈ હતી જેની સામે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરજી દાખલ કરી હતી.

આનો અર્થ શું ?

અયોધ્યાનો મુદ્દો સંવેદનશીલ અને ધર્મ સાથે સંકલાયેલો હોવાથી સુપ્રીમ કોર્ટ બહાર તેનો ઉકેલ ઇચ્છે છે. શું આ સમાધાન માટે પ્રથમ પ્રયાસ છે? ના, આ મુદ્દાને સમાધાનથી ઉકેલવા ઓછામાં ઓછા નવ પ્રયાસ થયા છે અને તેના પરિણામ મળ્યા નથી.

શા માટે આ પ્રયાસ જુદો છે ?

સુપ્રીમ કોર્ટે પહેલીવાર અયોધ્યા વિવાદને ઉકેલવાની સલાહ આપી છે અને તેમાં જો બંને પક્ષો સહમત હોય તો મધ્યસ્થી માટે મુખ્ય ન્યાયાધીશ પોતે તથા અન્ય બે જજોને સામેલ કરવા તૈયાર છે.

હવે શંુ થશે ?

સુપ્રીમ કોર્ટે સ્વામીને બંને પક્ષો સાથે વાત કરવા અને ૩૧મી માર્ચ સુધી નિર્ણય અંગે અવગત કરવા કહ્યું છે. મધ્યસ્થી માટે તૈયાર થતા હોય તેવા વ્યક્તિઓના નામ અને તમામ શક્યતાઓની વિગતો સ્વામીએ આપવી પડશે.

શું ફળસ્વરૂપ પરિણામ મળશે ?

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યંુ છે કે, ચર્ચા દ્વારા કોઇ સમાધાન બહાર આવશે. પરંતુ બાબરી મસ્જિદ એક્શન કમિટીના અધ્યક્ષ ઝફરયાબ ઝીલાની સ્વામીની વાતથી સહમત નથી. તેઓ આ કેસમાં પાર્ટી નથી.

બાબરી મસ્જિદ એક્શન

કમિટી શું કહે છે ?

બાબરી મસ્જિદ એક્શન કમિટીના કન્વીનર ઝફરયાબ ઝીલાની સુપ્રીમની સલાહ સાથે સહમત નથી. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમની આ સલાહને આવકારીએ છીએ પરંતુ અમે કોર્ટ બહાર સમાધાન માટે તૈયાર નથી. પહેલાં પણ આવા પ્રયાસો નિષ્ફળ ગયા છે.